અગાઉ નકલી પોલીસ, હવે બનાવટી નાયબ મામલતદાર બની રોફ જમાવતો ઠગ ઝડપાયો, ક્રાઈમ બ્રાન્ચે મણિનગરમાંથી દબોચ્યો…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

Kalam Ki Sarkar News / Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મણિનગર દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસેથી પોતે મોડાસાના નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવાની ખોટી ઓળખ આપી રોફ જમાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીની ઓળખ કિરીટકુમાર ઉર્ફે કે.બી. બાબુભાઈ જેઠાભાઈ અમીન (ઉં.વ. 40) તરીકે થઈ છે.

આરોપી પાસેથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનું લેમિનેશન કરેલું બનાવટી આઈકાર્ડ મળી આવ્યું છે, જેમાં તેને નાયબ મામલતદાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આરોપી અગાઉ પણ નકલી પોલીસ બનીને ગુનાઓમાં પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલે મણિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતાં કાર્યવાહી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મણિનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ બનાવટી પોલીસના ગુનામાં પકડાયેલો કિરીટકુમાર ઉર્ફે કે.બી. અમીન પોતે ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોવાની ખોટી ઓળખ આપી દક્ષિણી રેલવે ક્રોસિંગ પાસે ફરી રહ્યો છે.

બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પંચોને સાથે રાખીને ખાનગી વાહનમાં સ્થળ પર પહોંચી હતી અને આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. તેની અંગઝડતી દરમિયાન ખિસ્સામાંથી ‘Government of Gujarat – Revenue Department’ લખેલું અને નાયબ મામલતદાર તરીકેની ઓળખ દર્શાવતું લેમિનેશન કરેલું આઈકાર્ડ મળી આવ્યું હતું, જેને પોલીસે જપ્ત કર્યું હતું.

અગાઉ પણ નકલી પોલીસ બની ગુનાઓમાં પકડાયો હતો

પોલીસ માહિતી મુજબ, મૂળ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના હેલોદર ગામનો અને હાલ ઘોડાસરમાં કોમ્ફી હોટેલ પાસે આવેલા એમ્પાયર હાઇટ્સ ફ્લેટમાં રહેતો આ શખ્સ અગાઉ પણ નકલી પોલીસ બની લોકોને ડરાવી-ધમકાવવાના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.

હવે તેણે મહેસૂલ વિભાગના ક્લાસ-2 અધિકારીનું બનાવટી આઈકાર્ડ બનાવી લોકો પર રોફ જમાવવાનું શરૂ કર્યું હોવાની માહિતી સામે આવી છે. તેમજ સરકારી કામોના નામે છેતરપિંડી કરવાનું કોઈ નેટવર્ક ચલાવવામાં આવતું હતું કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

મણિનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની વધુ પૂછપરછ તથા તપાસ હાથ ધરી છે.



આ પણ વાંચો :-