પંચમહાલમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ દિવસની ઉજવણી: 24 શાળાઓમાં 3,900થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત કિશોરીઓને સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને કાયદાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું

પંચમહાલ: મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં તા. 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ, 2026 દરમિયાન ઉજવાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા. 3 ઓગસ્ટ, 2026ના રોજ 24 શાળાઓમાં ‘બેટી બચાવો, બેટી પઢાવો’ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ બાળિકાઓના શિક્ષણ, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.

જિલ્લાભરમાં યોજાયેલા કાર્યક્રમોમાં 2,374 વિદ્યાર્થીનીઓ અને 1,537 વિદ્યાર્થીઓ સહિત કુલ 3,911 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ ઓફિસરો, RBSKની ટીમો, સ્થાનિક પદાધિકારીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતો દ્વારા PC & PNDT Act, 1994ની જોગવાઈઓ, ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનનું મહત્વ તથા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા અંગે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કિશોરીઓને માસિક ધર્મ દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા, સંતુલિત આહારનું મહત્વ, આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટના સેવન તેમજ કિશોરાવસ્થામાં થતા શારીરિક પરિવર્તનો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નો અને મૂંઝવણો રજૂ કર્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.



આ પણ વાંચો :-