ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્રકલા સહિત વિવિધ કલા સ્પર્ધાઓમાં ભાગ લેવા કલાકારોને આમંત્રણ

પંચમહાલ: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પંચમહાલ દ્વારા **‘તાલુકા/જિલ્લા કક્ષા કલા મહાકુંભ ૨૦૨૬-૨૭’**નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા અને વિવિધ વયજૂથના કલાપ્રેમીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક પૂરી પાડવા માટે યોજાનારી આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે.
આ કલા મહાકુંભમાં ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી વધુ એમ કુલ ચાર વયજૂથમાં સ્પર્ધાઓ યોજાશે. સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનય સહિત કુલ છ વિભાગોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
તાલુકા કક્ષાએ વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત-ભજન, તબલા, હાર્મોનિયમ, લોકનૃત્ય, રાસ, ગરબા અને સમૂહગીત જેવી સ્પર્ધાઓ યોજાશે. જ્યારે જિલ્લા કક્ષાએ કાવ્યલેખન, ગઝલ-શાયરી, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, ઓર્ગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત અને સ્કૂલ બેન્ડ જેવી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત પ્રદેશ અને રાજ્ય કક્ષાએ વિવિધ વાદ્ય તથા પરંપરાગત લોકકલાઓની સ્પર્ધાઓ પણ યોજાશે.
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક કલાકારોએ ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. તાલુકા કક્ષાના ફોર્મ સંબંધિત તાલુકાની નિયત શૈક્ષણિક સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ રહેશે અને ત્યાં જ જમા કરાવવાના રહેશે. જ્યારે જિલ્લા કક્ષાની કૃતિઓ માટેના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન ભાગ-૨, પ્રથમ માળ, રૂમ નં. ૩૫, ગોધરા ખાતે તા. ૩૦ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં જમા કરાવવા જણાવાયું છે.
વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી રાજેશ પારગી (મો. ૯૧૦૬૨૨૫૦૫૧) અથવા પ્રાંત યુવા વિકાસ અધિકારી **શ્રી રાહુલ તડવી (મો. ૯૦૯૯૧૩૨૨૬૫)**નો સંપર્ક કરવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
