પંચમહાલમાં 23 જુલાઈએ યોજાશે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ: અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ 10 જુલાઈ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

સેવાકીય, કોર્ટ કેસ, રહેમરાહે નોકરી અને પેન્શન સિવાયના પ્રશ્નો માટે નાગરિકો કરી શકશે રજૂઆત

પંચમહાલ: પંચમહાલ જિલ્લાના નાગરિકોની ફરિયાદો અને પ્રશ્નોના અસરકારક નિવારણ માટે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ તા. **23 જુલાઈ, 2026 (ગુરુવાર)**ના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે યોજાશે.

કલેક્ટર કચેરી દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, જિલ્લાના નાગરિકો, અરજદારો અને પ્રજાજનો પોતાના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી અને પેન્શન સિવાયના પ્રશ્નો અંગે લેખિત અરજી તા. 10 જુલાઈ, 2026 સુધીમાં સંબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલી શકશે.

દરેક અરજદારે એક અરજીમાં માત્ર એક જ પ્રશ્ન અથવા ફરિયાદ રજૂ કરવાની રહેશે. અરજીના કવર તેમજ અરજી પર સ્પષ્ટપણે “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવું ફરજિયાત રહેશે. ઉપરાંત અરજદારે પોતાનું સંપૂર્ણ નામ, સરનામું તેમજ મોબાઇલ અથવા અન્ય સંપર્ક નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે.

જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલાં અરજદારે સૌપ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરેલી હોવી જોઈએ. ત્યારબાદ જે વિભાગનો પ્રશ્ન હોય તે વિભાગમાં અરજી કરેલી હોવી જરૂરી છે. જિલ્લા કક્ષાની રજૂઆત સાથે સંબંધિત જિલ્લા અધિકારીને અગાઉ કરેલી રજૂઆતની નકલ પણ જોડવાની રહેશે.

તા. 10 જુલાઈ, 2026 સુધીમાં પ્રાપ્ત થયેલી અરજીઓનો જ ચાલુ માસના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.

કલેક્ટર કચેરીએ વધુમાં જણાવ્યું છે કે, આ કાર્યક્રમમાં માત્ર એવા પ્રશ્નો જ લેવામાં આવશે, જેનો નિર્ણય જિલ્લા કક્ષાએ શક્ય હોય અને જે કોઈ કોર્ટમાં વિચારાધીન ન હોય. અરજદારે પોતાના પ્રશ્નની રજૂઆત રૂબરૂ જાતે હાજર રહીને કરવી ફરજિયાત રહેશે. કોઈ વકીલ અથવા અન્ય વ્યક્તિ મારફતે રજૂઆત માન્ય ગણાશે નહીં.



આ પણ વાંચો :-