છોટા ઉદેપુરના ઓરસંગ નદીના બ્રિજમાં મોટું ગાબડું: નેશનલ હાઇવે-56 બંધ, 100થી વધુ ગામો પર અસર…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

બોડેલી નજીક બ્રિજ પર વાહનવ્યવહાર સ્થગિત, ગુજરાત સહિત ચાર રાજ્યોને જોડતો મુખ્ય માર્ગ ખોરવાયો

છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી નજીક ઓરસંગ નદી પર આવેલા બ્રિજમાં અચાનક મોટું ગાબડું પડતાં તંત્ર દોડતું થઈ ગયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજ પરથી તમામ પ્રકારના વાહનવ્યવહારને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી પસાર થતા નેશનલ હાઇવે નં. 56 પર અવરજવર બંધ થતાં હજારો વાહનચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

ઓરસંગ નદી પર આવેલો આ બ્રિજ ગુજરાતને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. બ્રિજના છેવાડે ગાબડું પડતાં નેશનલ હાઇવે-56 પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.

આ બ્રિજ માત્ર આંતરરાજ્ય માર્ગ જ નહીં, પરંતુ બોડેલી પંથકના 100થી વધુ ગામો માટે પણ મુખ્ય સંપર્ક માર્ગ છે. બ્રિજ બંધ થતાં ગ્રામજનો, દૂધ અને શાકભાજી લઈને જતા ખેડૂતો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ અનેક લોકો જીવના જોખમે બ્રિજ પરથી પગપાળા પસાર થવા મજબૂર બન્યા હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષો જૂના આ બ્રિજનો એક ભાગ અગાઉ પણ ક્ષતિગ્રસ્ત થયો હતો, જેના કારણે છેલ્લા બે વર્ષથી અહીં સમારકામની કામગીરી ચાલી રહી હતી. તેમ છતાં ફરી એકવાર બ્રિજમાં મોટું ગાબડું પડતાં કામગીરીની ગુણવત્તા અને જાળવણી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

બ્રિજની હાલની સ્થિતિને પગલે સ્થાનિકો અને વાહનચાલકોએ તંત્ર સમક્ષ જર્જરિત બ્રિજને બદલે નવો અને મજબૂત બ્રિજ નિર્માણ કરવાની માંગ ઉઠાવી છે. લોકોનું કહેવું છે કે વારંવારના સમારકામ કરતાં કાયમી ઉકેલ લાવવો હવે સમયની માંગ બની ગયો છે.



આ પણ વાંચો :-