ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લામાં સરકારી કર્મચારીઓ માટે બેંકિંગ સુવિધાઓને વધુ મજબૂત બનાવવા જિલ્લા વહીવટી તંત્ર અને બેંક ઓફ બરોડા વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અજય દહિયા તથા બેંકના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કરાર અંતર્ગત જિલ્લાના સરકારી કર્મચારીઓને ‘બરોડા સેલેરી પેકેજ’ હેઠળ આધુનિક અને સુવિધાસભર બેંકિંગ સેવાઓ આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ કર્મચારીઓને આર્થિક રીતે સુરક્ષિત બનાવવાનો તેમજ તેમને સરળ અને ઝડપી ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
આ યોજનામાં કર્મચારીઓને અનેક મહત્વપૂર્ણ લાભો મળશે. જેમાં ₹125 લાખ સુધીનું વ્યક્તિગત અકસ્માત વીમા કવચ અને ₹200 લાખ સુધીનું એર અકસ્માત વીમા કવચ આપવામાં આવશે. ઉપરાંત ₹10 લાખ સુધીનું લાઇફ ઇન્શ્યોરન્સ પણ સામેલ છે.
આ ઉપરાંત, કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે ઝીરો બેલેન્સ સાથે ખાસ સેલેરી એકાઉન્ટની સુવિધા મળશે. ડેબિટ કાર્ડ, RTGS, NEFT અને UPI જેવી ડિજિટલ સેવાઓ પર કોઈપણ પ્રકારનો શુલ્ક લેવામાં આવશે નહીં.
લોન સંબંધિત લાભોમાં પ્રોસેસિંગ ફીમાં રાહત તેમજ તાત્કાલિક નાણાકીય જરૂરિયાત માટે ઓવરડ્રાફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી અજય દહિયાએ જણાવ્યું હતું કે, આ સહયોગથી સરકારી કર્મચારીઓને વિશ્વસનીય અને આધુનિક બેંકિંગ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર પ્રાપ્ત થશે.
બેંક ઓફ બરોડાના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી ગિરિશ માંશાની અને રીજનલ હેડ શ્રી કૌશલ કિશોર પાંડે દ્વારા કર્મચારીઓને શ્રેષ્ઠ અને કસ્ટમાઇઝ્ડ બેંકિંગ સેવાઓ આપવાની ખાતરી આપવામાં આવી હતી.
આ પહેલથી પંચમહાલ જિલ્લાના હજારો સરકારી કર્મચારીઓને સીધો લાભ મળશે અને નાણાકીય સમાવેશને વધુ ગતિ મળશે.