પેલેટ ગન મુદ્દે રાહુલ ગાંધીના ધરણાં, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા; ભાજપે ગણાવ્યું રાજકીય સ્ટંટ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નવી દિલ્હી: દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના કથિત ઉપયોગના મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદ માર્ગ પોલીસ મથકની DCP કચેરીએ પહોંચ્યા હતા. તેમણે આ મામલે પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી છે અને અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે તેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

રાહુલ ગાંધી સાથે પેલેટ ગનથી ઈજાગ્રસ્ત થયેલા સાહિલ લોહબચન પણ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે ગંભીર ઘટના હોવા છતાં હજુ સુધી FIR નોંધવામાં આવી નથી અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા સાહિલ પર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

DCP કચેરીની બહાર રાહુલ ગાંધી ધરણા પર બેઠા હતા. તેમની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા, જયરામ રમેશ અને અધીર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા.

પોલીસે ફરિયાદ મળ્યાની વાત કહી

બીજી તરફ, પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે કે ફરિયાદ સ્વીકારી લેવામાં આવી છે અને સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ અંગેની વધુ વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી.

ભાજપે રાહુલ ગાંધી પર કર્યા આક્ષેપ

ભાજપ નેતા આશિષ સૂદે રાહુલ ગાંધીના વિરોધને રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. તેમનો આક્ષેપ હતો કે અન્ય રાજકીય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે આ પ્રકારનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે રચી પાંચ સભ્યોની તપાસ સમિતિ

આ મામલે સુપ્રીમ કોર્ટે દિલ્હી વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસના કથિત અતિશય બળપ્રયોગ અને પ્રદર્શનકારીઓ દ્વારા થયેલી હિંસાની તપાસ માટે પાંચ સભ્યોની હાઈ પાવર્ડ એનક્વાયરી કમિટી રચી છે.

સમિતિના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી રહેશે. સમિતિમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રવિ શંકર ઝા, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ શાલિન્દર કૌર, CBIના પૂર્વ ડિરેક્ટર ઋષિ કુમાર શુક્લા અને મેઘાલયના નિવૃત્ત DGP એલ. આર. બિશ્નોઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમિતિ પેલેટ ગનના કથિત ઉપયોગ સહિત પોલીસ દ્વારા કરાયેલા બળપ્રયોગ તેમજ પ્રદર્શનકારીઓ દ્વારા પોલીસકર્મીઓ સામે થયેલી હિંસા—બંને પાસાંની તપાસ કરશે.



આ પણ વાંચો :-