ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

પંચમહાલ: યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે. જે. પટેલ દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ, આગામી બે માસ સુધી તમામ રવિવારે પાવાગઢ ખાતે ટ્રાફિક નિયમન માટે ખાસ પ્રતિબંધો અમલમાં રહેશે.
આ અંતર્ગત તળેટીથી માચી સુધીના માર્ગ પર માત્ર સરકારી એસ.ટી. બસો, સરકારી વાહનો તથા પાવાગઢ ગામની કાયમી ટેક્સી પાસિંગ ધરાવતી ગાડીઓને જ અવર-જવર કરવાની મંજૂરી રહેશે. ખાનગી ભારે તથા હળવા વાહનોને માચી ખાતેના પાર્કિંગની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને એક સમયે કુલ ૪૫ જેટલા ટોકન વહેલા તે પહેલાંના ધોરણે આપવામાં આવશે. જો માચી ખાતેનું પાર્કિંગ સંપૂર્ણ ભરાઈ જશે, તો કોઈપણ ખાનગી વાહનને તળેટીથી ઉપર જવા દેવામાં આવશે નહીં.
ખાનગી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ માટે હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, વડાતળાવ ચોકડી, ઢીંકવા ચોકડી અને ધનકુવા ચોકડી જેવા પોઈન્ટ્સ નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ સ્થળોથી પાવાગઢ તરફ પ્રવેશતા ખાનગી ભારે વાહનો પર પ્રતિબંધ રહેશે.
આ ઉપરાંત, પશુઓ દ્વારા ચીજવસ્તુઓ અથવા માલસામાનનું વહન કરવા તેમજ પશુઓને દોરીને લઈ જવા પર પણ માચીથી દુધિયા તળાવ સુધીના માર્ગ પર પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામું તા. ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીના તમામ રવિવારના દિવસો માટે અમલી રહેશે. જોકે, આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી. બસો, સરકારી ફરજ પરના વાહનો તેમજ આરોગ્ય સેવાઓ માટેના વાહનો (એમ્બ્યુલન્સ)ને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
વધુમાં, ખાનગી પાર્કિંગ સંચાલકોને પાવાગઢ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નક્કી કરાયેલા દર કરતાં વધુ ચાર્જ વસૂલવા નહીં તેવી સૂચના આપવામાં આવી છે. ખેતીની જમીન પર ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરનાર જમીન કબજેદારોએ પણ જરૂરી પૂર્વ પરવાનગી લેવાની રહેશે.
જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
