ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ જિલ્લાના નાગરિકો માટે જિલ્લાકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 28 મે 2026ના રોજ સવારે 11:00 કલાકે કલેક્ટર કચેરી, ગોધરા ખાતે આવેલ સભાખંડમાં યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના નાગરિકો તેમના સેવાકીય પ્રશ્નો રજૂ કરી શકશે. જો કે, કોર્ટ સંબંધિત મુદ્દાઓ, રહેમરાહે નોકરી અને પેન્શન સંબંધિત પ્રશ્નો આ કાર્યક્રમમાં સ્વીકારવામાં આવશે નહીં.
અરજદારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના પ્રશ્નો તા. 10 મે 2026 સુધીમાં સંબંધિત કચેરીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા લેખિત અરજીરૂપે મોકલી આપે. દરેક અરજદારે એક અરજીમાં ફક્ત એક જ પ્રશ્ન અથવા ફરિયાદ રજૂ કરવાની રહેશે.
અરજીના કવર તેમજ અરજી પર “જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” એમ સ્પષ્ટ લખવું ફરજિયાત રહેશે. સાથે જ અરજદારે પોતાનું નામ, સરનામું અને સંપર્ક નંબર દર્શાવવો જરૂરી રહેશે.
જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા અરજદારે પ્રથમ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અને ત્યારબાદ સંબંધિત કચેરીમાં પોતાની અરજી કરેલ હોવી જરૂરી છે. જિલ્લાકક્ષાના પ્રશ્ન માટે સંબંધિત અધિકારીને કરેલી રજૂઆતની નકલ અરજી સાથે જોડવી ફરજિયાત રહેશે.
તા. 10 મે સુધીમાં પ્રાપ્ત થયેલી અરજીઓનો જ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. તેમજ માત્ર એવા પ્રશ્નો જ રજૂ કરી શકાશે, જે જિલ્લા કક્ષાએ ઉકેલી શકાય અને કોર્ટમાં પેન્ડિંગ ન હોય.
અરજદારે કાર્યક્રમ દરમિયાન પોતાની હાજરીમાં રૂબરૂ રજૂઆત કરવી રહેશે અને કોઈ વકીલ અથવા અન્ય વ્યક્તિ મારફતે રજૂઆત માન્ય ગણાશે નહીં, તેવી માહિતી કલેક્ટર કચેરી, પંચમહાલ દ્વારા આપવામાં આવી છે.