મહીસાગર વન વિભાગનો માનવતાભર્યો પ્રયાસ: કાળઝાળ ગરમીમાં વન્યજીવો માટે જંગલોમાં કૃત્રિમ જળકુંડ કાર્યરત…

લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર જિલ્લાના જંગલોમાં વસતા વન્યજીવોને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાનું પાણી મળી રહે અને તેઓ પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ન ભટકે તે માટે વન વિભાગ દ્વારા સંવેદનશીલ અને સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાના વિશાળ વનવિસ્તારમાં વિવિધ દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં કૃત્રિમ જળકુંડ એટલે કે ‘ગજલર’ કાર્યરત કરવામાં આવ્યા છે.

મહીસાગર જિલ્લાના અંદાજે 61,687 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા જંગલોમાં ઉનાળાની અસરથી કુદરતી જળસ્રોતો સુકાઈ જતા વન્યજીવો માટે પાણીની સમસ્યા ઊભી થઈ હતી. આ પરિસ્થિતિમાં મહીસાગર નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા વિવિધ રેન્જમાં સતત મોનિટરિંગ સાથે કૃત્રિમ જળકુંડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વન વિભાગ દ્વારા બનાવાયેલા આ ગજલરોમાં કળી ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે પાણી લાંબા સમય સુધી ઠંડું રહે છે અને તેમાં રહેલું કેલ્શિયમ વન્યજીવોના સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી સાબિત થાય છે. વનકર્મીઓ ભારે ગરમી વચ્ચે પણ ટ્રેક્ટર અને ટેન્કર મારફતે પથરાળ અને અંતરિયાળ રસ્તાઓ પાર કરીને નિયમિતપણે આ જળકુંડો સુધી પાણી પહોંચાડી રહ્યા છે.

ખાનપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસરના જણાવ્યા અનુસાર, ખાનપુર રેન્જના અંતરિયાળ વિસ્તારોમાં 7 થી 10 જેટલા કૃત્રિમ ગજલર બનાવવામાં આવ્યા છે. વનકર્મીઓ દ્વારા દિવસ-રાત સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી પાણી ખાલી ન થાય અને સમયસર રિફિલ થઈ શકે. આ વ્યવસ્થાથી વન્યજીવો પાણી માટે ગામડાં અથવા માનવ વસાહતો તરફ ન જાય અને માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓ અટકાવી શકાય.

વન વિભાગ દ્વારા આગામી સમયમાં જ્યાં ગજલર બનાવવામાં આવ્યા છે ત્યાં નાઈટ વિઝન કેમેરા લગાવવાની પણ યોજના બનાવવામાં આવી છે, જેથી વન્યજીવોની સુરક્ષા અને તેમની ગતિવિધિઓ પર વધુ અસરકારક નજર રાખી શકાય.

વન વિભાગના આ પ્રયાસોથી દીપડા, નીલગાય, ઝરખ સહિતના અનેક વન્યજીવોને જંગલમાં જ પાણી મળી રહ્યું છે, જેના કારણે માનવ-વન્યજીવ ઘર્ષણની શક્યતાઓમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ વન વિભાગે સામાન્ય નાગરિકોને પણ ઉનાળાની આ ગરમીમાં પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.



આ પણ વાંચો :-