લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ-10 (એસ.એસ.સી.) બોર્ડ પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. માર્ચ-2026માં યોજાયેલી પરીક્ષામાં મહીસાગર જિલ્લાનું કુલ પરિણામ 82.60 ટકા નોંધાયું છે, જ્યારે રાજ્યનું સરેરાશ પરિણામ 83.86 ટકા રહ્યું છે.
આ વર્ષે મહીસાગર જિલ્લામાં કુલ 15,304 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 14,774 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ પૈકી 12,203 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે, જ્યારે 2,571 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
જિલ્લાના વિદ્યાર્થીઓએ ગુણાત્મક રીતે પણ સારો દેખાવ નોંધાવ્યો છે. ગ્રેડ મુજબ પરિણામની વાત કરીએ તો A1 ગ્રેડમાં 285 વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં 1,215 વિદ્યાર્થીઓ, B1 ગ્રેડમાં 2,437 વિદ્યાર્થીઓ, B2 ગ્રેડમાં 3,307 વિદ્યાર્થીઓ, C1 ગ્રેડમાં 3,079 વિદ્યાર્થીઓ, C2 ગ્રેડમાં 1,765 વિદ્યાર્થીઓ તથા D ગ્રેડમાં 115 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉચ્ચ ગ્રેડ સાથે સફળતા પ્રાપ્ત કરતાં જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
