ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની પ્રતિભાશાળી વિદ્યાર્થીની ચોપડા દ્રષ્ટિબેન જયસુખભાઈએ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં શાનદાર સફળતા મેળવી સમગ્ર તાલુકા, ભાટિયા ગામ તેમજ સતવારા સમાજનું ગૌરવ વધાર્યું છે.
દ્રષ્ટિબેને 99.84 PR સાથે પોતાના કેન્દ્રમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. સાથે જ કલ્યાણપુર તાલુકામાં પણ પ્રથમ સ્થાન હાંસલ કરીને સમગ્ર વિસ્તારમાં ગૌરવની લાગણી ઉભી કરી છે. વધુમાં તેમણે સમગ્ર ગુજરાતમાં 16મો ક્રમ મેળવી અનોખી સિદ્ધિ નોંધાવી છે.
દ્રષ્ટિબેન શ્રી એલ.એમ.પી. સ્કૂલ એન્ડ હોસ્ટેલની વિદ્યાર્થીની છે. તેણીએ પોતાની સતત મહેનત, અડગ સંકલ્પ અને શિક્ષકોના માર્ગદર્શનના બળ પર આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
વિષયવાર ગુણોની વાત કરીએ તો, વિજ્ઞાન વિષયમાં તેમણે 100માંથી 100 ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. જ્યારે ગણિત, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયોમાં 100માંથી 98 ગુણ પ્રાપ્ત કરીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.
દ્રષ્ટિબેનની આ સિદ્ધિ સમગ્ર વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમની આ ભવ્ય સફળતા બદલ દ્રષ્ટિબેન, તેમના માતા-પિતા તથા શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.