ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે શ્રમિકો અને કર્મચારીઓ સાથે જોડાયેલા 29 જુદા જુદા કાયદાઓને એકીકૃત કરીને ચાર નવા લેબર કોડ અમલમાં મૂક્યા છે. આ નવા નિયમો લાગુ થતા દેશભરના કર્મચારીઓ, શ્રમિકો અને કંપનીઓ પર સીધી અસર પડશે. ખાસ કરીને હવે ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજા જેવી વ્યવસ્થા માટેનો માર્ગ સ્પષ્ટ બન્યો છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ કોઈપણ કર્મચારી પાસેથી સપ્તાહમાં 48 કલાકથી વધુ કામ લેવાઈ શકશે નહીં. જો કંપની અને કર્મચારી બંને સંમત હોય તો આ 48 કલાકનું કામ માત્ર ચાર દિવસમાં વહેંચી શકાય છે. એટલે કે રોજના 12 કલાક કામ કરીને ચાર દિવસમાં સપ્તાહનું કામ પૂર્ણ કરી શકાય અને બાકીના ત્રણ દિવસ રજા મળી શકે.
જોકે આ નિયમ દરેક ક્ષેત્ર માટે સમાન રીતે લાગુ નથી. મજૂર વર્ગ માટે દૈનિક 8 કલાક કામનો નિયમ યથાવત રહેશે. તેનાથી વધુ સમય સુધી કામ લેવાય તો ઓવરટાઈમ ચૂકવવો ફરજિયાત રહેશે.
કેન્દ્ર સરકારે 10 મેના રોજ ચારેય લેબર કોડના અંતિમ નિયમો જાહેર કર્યા હતા. તેમાં Industrial Relations Code 2020, Code on Wages 2019, Social Security Code 2020 અને Occupational Safety, Health & Working Conditions Code 2020 નો સમાવેશ થાય છે.
કર્મચારીઓ માટે મુખ્ય ફેરફારો:
- તમામ કર્મચારીઓને ફરજિયાત અપોઇન્ટમેન્ટ લેટર આપવું પડશે
- એક વર્ષ સેવા બાદ ગ્રેચ્યુઇટી આપવાની જોગવાઈ
- સપ્તાહમાં 48 કલાકથી વધુ કામ નહીં લેવાય
- વધારાના કામ માટે ઓવરટાઈમ ચાર્જ ફરજિયાત
- 16 વર્ષથી વધુ ઉંમરના અનઓર્ગેનાઈઝ્ડ વર્કર્સ માટે આધાર સાથે રજિસ્ટ્રેશન ફરજિયાત
- ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સ માટે નેશનલ સોશિયલ સિક્યોરિટી બોર્ડ રચાશે
- મહિલા કર્મચારીઓને રાત્રે કામ કરવાની મંજૂરી, પરંતુ સુરક્ષા ફરજિયાત
- 40 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓનું દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું પડશે
- સમયસર પગાર ચૂકવવો કંપની માટે ફરજિયાત રહેશે
નવા લેબર કોડને કારણે કર્મચારીઓના અધિકારો મજબૂત બનશે તેમજ કામકાજની પદ્ધતિમાં પણ મોટા ફેરફારો જોવા મળશે.