ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

જામનગર શહેરના ત્રણબત્તી નજીક આવેલા સ્ટાર લાઇટ બિલ્ડિંગમાં આજે બપોરે આગની ઘટના સર્જાતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ બપોરે અંદાજે 12:10 વાગ્યાના અરસામાં બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં આવેલા મીટર રૂમમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી.
આગ લાગતા ઇલેક્ટ્રિક મીટરોમાંથી ચિંગારીઓ સાથે ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડા જ સમયમાં મીટરો સળગવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસી હિતેશભાઈએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી.
જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટર સાથે તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ વધુ ફેલાય નહીં તે માટે સૌપ્રથમ PGVCLની મદદથી વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને ઝડપથી કાબૂમાં લઈ લીધી હતી.
સમયસર કાર્યવાહી થતાં આગ બિલ્ડિંગના અન્ય ભાગોમાં ફેલાતી અટકી ગઈ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આગ લાગતા સમગ્ર બિલ્ડિંગમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. બિલ્ડિંગમાં હાજર રહેલા લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા થવા પામી નહોતી. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે મીટર પેનલ, મીટર હોલ્ડિંગ તથા ઇલેક્ટ્રિક વાયરિંગને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે પરિસ્થિતિ કાબૂમાં લઈને સ્થળને સુરક્ષિત જાહેર કર્યું હતું.