ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

અહેવાલો મુજબ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ જોસેફ વિજયે પોતાના પ્રથમ મોટા વહીવટી નિર્ણય તરીકે રાજ્યમાં આવેલી 717 સરકારી દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય મુજબ ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડથી 500 મીટરની ત્રિજ્યામાં આવેલી તમામ દુકાનો આગામી બે અઠવાડિયામાં બંધ કરવામાં આવશે.
હાલ રાજ્યમાં કુલ 4,765 દારૂની દુકાનો કાર્યરત હોવાનું જણાવાય છે. જેમાંથી 276 દુકાનો ધાર્મિક સ્થળો પાસે, 186 શૈક્ષણિક સંસ્થાઓ નજીક અને 255 બસ સ્ટેન્ડ આસપાસ આવેલી હોવાનું સામે આવ્યું છે. વિજયના આ નિર્ણયને સામાજિક સુધારાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
મફત વીજળી અને મહિલા સુરક્ષા પર ખાસ ભાર
દારૂની દુકાનો બંધ કરવાના નિર્ણય ઉપરાંત મુખ્યમંત્રી વિજયે અન્ય જનકલ્યાણકારી જાહેરાતો પણ કરી છે. ઘરેલુ વપરાશકારો માટે 200 યુનિટ મફત વીજળી આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે વિશેષ સુરક્ષા દળ રચવાની તેમજ દરેક જિલ્લામાં ડ્રગ્સ વિરોધી યુનિટ શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જેથી રાજ્યમાં નશાની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવી શકાય.
રાજ્યની આર્થિક સ્થિતિ પર આવશે શ્વેતપત્ર
પોતાના પ્રથમ સંબોધનમાં વિજયે અગાઉની સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે રાજ્ય પર 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે અને આર્થિક સ્થિતિ ચિંતાજનક છે. આ મુદ્દે 2021થી 2026 દરમિયાનની આર્થિક સ્થિતિ દર્શાવતું શ્વેતપત્ર બહાર પાડવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે.
તમિલનાડુમાં પ્રથમ વખત ગઠબંધન સરકાર
અહેવાલ મુજબ 51 વર્ષીય અભિનેતા અને રાજનેતા જોસેફ વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે. કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને મુસ્લિમ લીગના સમર્થનથી રાજ્યમાં પ્રથમ વખત ગઠબંધન સરકાર રચાઈ હોવાનું જણાવાય છે.