હરિયાણાના ફરીદાબાદમાં યોજાયેલા સુરજકુંડ મેળામાં એક મોટો અકસ્માત સર્જાયો છે. મેળામાં લાગેલો એક ઝુલો અચાનક તૂટી પડતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઝુલો તૂટતા જ આસપાસ હાજર લોકોમાં હડકંપ મચ્યો હતો અને સ્થળ પર ચીખો-ચીસો સંભળાવા લાગી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સમયે ઝુલા પર કુલ 26 લોકો સવાર હતા. ઝુલો તૂટી પડતા એક પોલીસ ઇન્સ્પેક્ટરનું દુઃખદ મોત થયું છે, જ્યારે એક ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાંથી છથી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
આ દુર્ઘટનામાં પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ પ્રસાદનું બચાવ કામગીરી દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ફરીદાબાદના ડીસી આયુષ સિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે, અકસ્માતમાં કુલ 12 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકનું મોત થયું છે.
આ ઘટના આજે સાંજે આશરે 6 વાગીને 15 મિનિટે બની હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર સ્થળ પર પહોંચી ગયું હતું. ઘટનાને લઇને પોલીસે FIR નોંધાવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.