કેન્સર જાગૃતિ માટે ગોધરામાં “આરોગ્યમ વોકાથોન – 2026”નું ભવ્ય આયોજન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરા: તા. 8/2/2026 ના રોજ વિશ્વ કેન્સર જાગૃતિ અવસર નિમિત્તે આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઓરવાડા દ્વારા ગોધરા ખાતે પોલીસ હેડક્વાર્ટર ખાતે “આરોગ્યમ વોકાથોન – 2026”નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કેન્સર અંગે જનજાગૃતિ ફેલાવવી, વહેલી તકે નિદાનનું મહત્વ સમજાવવું અને સ્વસ્થ જીવનશૈલી માટે લોકોમાં પ્રેરણા ઊભી કરવી હતો.
આ વોકાથોનમાં અંદાજે 600 થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે રજિસ્ટ્રેશન, ટી-શર્ટ વિતરણ અને ઝુમ્બા વોર્મ-અપ સેશનથી થઈ હતી, ત્યારબાદ રેલીને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માનનીય ધારાસભ શ્રી સી. કે. રાઉલજી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રી નિર્મિત દેસાઈ, શ્રી કેતન પરીખ અને શ્રી અરવિંદ પરમાર વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી સી. કે. રાઉલજી એ ઉપસ્થિત મેદની ને સંબોધન આપી કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા આહવાન કર્યું હતું તેમજ આરોગ્યમ હોસ્પિટલના ડિરેક્ટર્સ શ્રી શૈલેશ કથિરિયા, ડો. અંકિત ઠક્કર, ડો. કાર્તિકેય જૈન, ડો. જાગૃતિ કોલાડિયા અને ડો. વિપુલ થુમ્મર ઉપસ્થિત રહી કાર્યક્રમને માર્ગદર્શન આપ્યું હતું.
મહાનુભાવોએ આરોગ્યમ હોસ્પિટલની આ પહેલને વખાણી અને કેન્સર અંગે જાગૃતિ, નિયમિત હેલ્થ ચેકઅપ તથા સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વોકાથોન દરમિયાન ભાગ લેનારોએ કેન્સર નિવારણ અને વહેલા નિદાનના સંદેશાવાળા બેનરો સાથે જનજાગૃતિ ફેલાવી હતી.
કાર્યક્રમના અંતે તમામ મહેમાનો, પોલીસ વિભાગ, મીડિયા મિત્રો, આરોગ્યમ સ્ટાફ, વોલન્ટિયર્સ તથા તમામ ભાગ લેનાર પ્રતિભાગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આરોગ્યમ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ભવિષ્યમાં પણ આવા જનહિતના કાર્યક્રમો સતત યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.