પંચમહાલમાં 113 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને મળ્યા નિમણૂક પત્રો: જિલ્લા વહીવટને મળશે નવી મજબૂતી…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

અધિક નિવાસી કલેક્ટર જે.જે. પટેલના હસ્તે નિમણૂક પત્રોનું વિતરણ, નિષ્ઠા અને સેવાભાવથી ફરજ બજાવવા કરાયું આહ્વાન

પંચમહાલ: ગુજરાત સરકારના વ્યાપક ભરતી અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલા મહેસૂલી તલાટીઓને રાજ્યવ્યાપી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેના અનુસંધાને પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લામાં નિમણૂક પામેલા નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને અધિક નિવાસી કલેક્ટર શ્રી જે.જે. પટેલના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવતાં તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને સંબોધતા અધિક નિવાસી કલેક્ટર શ્રી જે.જે. પટેલે જણાવ્યું હતું કે, મહેસૂલી તલાટીની ભૂમિકા વહીવટી તંત્રમાં અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યાં પણ નિમણૂક થાય ત્યાં સંપૂર્ણ નિષ્ઠા, સેવાભાવ અને જવાબદારીપૂર્વક ફરજ બજાવી લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવું જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ ઉભી થાય તો ઉચ્ચ અધિકારીઓનો રૂબરૂ સંપર્ક કરીને યોગ્ય માર્ગદર્શન મેળવવું જોઈએ. ટીમ વર્કની ભાવના સાથે કાર્ય કરીને પંચમહાલ જિલ્લાના સર્વાંગી વિકાસમાં સક્રિય સહભાગી બનવા તેમણે તમામ નવનિયુક્ત કર્મયોગીઓને અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના ભરતી અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાને કુલ 113 નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી છે. આ ભરતીથી જિલ્લાના મહેસૂલી વહીવટને વધુ ગતિ મળશે તેમજ ગ્રામ્ય સ્તરે જનકલ્યાણલક્ષી સેવાઓ વધુ અસરકારક, ઝડપી અને સુદ્રઢ બનશે.



આ પણ વાંચો :-

સુરતના નાસીરનગર ડિમોલિશન કેસમાં હાઇકોર્ટનો સરકાર અને SMCને કડક ઠપકો: ‘કોર્ટની સત્તાને પડકારવાનો પ્રયાસ ન કરો’…