પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ, નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય તથા પેટાચૂંટણીઓને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે એપ્રિલ 2026માં યોજાનારી ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન અને સમયબદ્ધ કામગીરી જરૂરી છે. તેમણે આદર્શ આચાર સંહિતાના કડક અમલ પર ખાસ ભાર મૂક્યો હતો.

સમીક્ષા બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થા, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તથા કાયદો અને વ્યવસ્થા જાળવવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ અને સંચાલન, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઈઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈટી કામગીરી, SVEEP અંતર્ગત મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઈન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, પોલિંગ સ્ટાફ કલ્યાણ, દિવ્યાંગ મતદારો માટેની સુવિધાઓ તેમજ તાલીમ આયોજન અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં વિવિધ વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરી હતી.