લુણાવાડા,(મહીસાગર) આસીફ શેખ :-

મહીસાગર: જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજાય તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ બન્યું છે. આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
માહિતી મુજબ, નગરપાલિકા લુણાવાડાના પેટા વોર્ડ નં. 5ની ચૂંટણી, જિલ્લા પંચાયતની 28 બેઠકો તેમજ કડાણા, સંતરામપુર, ગોધરા, ખાનપુર, લુણાવાડા, કોઠંબા, બાલાસિનોર અને વિરપુર તાલુકા પંચાયતોની કુલ 150 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે.
ચૂંટણી પ્રક્રિયા સુગમ રીતે પાર પડે તે માટે જિલ્લા, તાલુકા અને લુણાવાડા શહેરી વિસ્તારો માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરીને સત્તાવાર આદેશો જારી કરવામાં આવ્યા છે. આચારસંહિતાનું પાલન સુનિશ્ચિત કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.એન. ભાભોરને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે, જ્યારે ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા જિલ્લા તિજોરી અધિકારી એ.ડી. બારૈયાને જવાબદારી સોંપાઈ છે.
મતદાર યાદી, ઈવીએમ મેનેજમેન્ટ અને સ્ટ્રોંગરૂમથી ઈવીએમ ફાળવણીની કામગીરી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એસ. મનાત સંભાળશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા સંવેદનશીલ મતદાન મથકો માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન અને નાયબ પોલીસ અધિક્ષક જે.જી. ચાવડાને સોંપવામાં આવી છે.
આ ઉપરાંત, ચૂંટણીલક્ષી સ્ટાફની તાલીમ જિલ્લા શિક્ષણાધિકારી એન.ડી. મુનિયા સંભાળશે, જ્યારે મતદાર જાગૃતિ અને ખાસ કરીને મહિલાઓની ભાગીદારી વધારવા માટે સ્વેપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન. જહાંને જવાબદારી આપવામાં આવી છે. પ્રચાર અને મીડિયા મેનેજમેન્ટ માટે સહાયક માહિતી નિયામક એચ.એમ. પરમારને નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અર્પિત સાગરે તમામ અધિકારીઓને રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાઓનું સમયસર અને કડક પાલન કરવા સૂચના આપી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે.