પંચમહાલમાં ચૂંટણી દરમ્યાન 4થી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ, જાહેરનામું બહાર પાડાયું…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પંચમહાલ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની એપ્રિલ-2026ની સામાન્ય અને પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા જાહેર કરાયેલા આ હુકમ મુજબ, ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના 4થી વધુ વ્યક્તિઓના એકત્ર થવા, સભા યોજવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુસર લેવામાં આવ્યું છે.

જો કે, આ હુકમ ફરજ પર રહેલા ગૃહ રક્ષક દળના સભ્યો, લગ્નના વરઘોડા, સરકારી નોકરીમાં રહેલા કર્મચારીઓ તેમજ સ્મશાન યાત્રાઓ માટે લાગુ પડશે નહીં.

સભા અને સરઘસ માટે મંજૂરી આપવાની સત્તા સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીને સોંપવામાં આવી છે.

આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.