ગોધરા,(પંચમહાલ) સાજીદ શેખ :-
સાદગી, સેવા અને સંયમના પ્રતિક એવા બાવા સાહેબના અંતિમ દીદાર માટે અત્યારથીજ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે… આજે રાત્રે કારંટા શરીફ મુકામે અંતિમ વિદાય એટલે કે દફનવિધિ કરાશે....

ગુજરાત જ નહીં પરંતુ સમસ્ત વિશ્વના માનવતાપ્રિય લોકોના દિલોમાં વિશેષ સ્થાન ધરાવતા, ઇસ્લામી સુફી પરંપરાના દીપસ્તંભ સમાન હાજીપીર સૈયદ કમરૂદ્દીન પીરઝાદા (બાવા સાહેબ) અલ્લાહની રહેમતથી જન્નતનશીન થયા હોવાની દુઃખદ ખબર સામે આવતા સમગ્ર વિસ્તારમાં ગમગીન માહોલ છવાઈ ગયો છે. તેમના ઇંતેકાલની ખબર ફેલાતાં જ તેમના પરિવારજનો, સ્નેહીજનો, આશિકો, મુરીદો તથા ચાહકોમાં ઊંડો શોક વ્યાપી ગયો છે..
બાવા સાહેબનું સમગ્ર જીવન ઇસ્લામના સિદ્ધાંતો—ઈમાન, અમન, ભાઈચારું, સેવા અને માનવતાને સમર્પિત રહ્યું હતું. તેઓ હંમેશા “ખલ્કની સેવા એજ ખુદાની ઇબાદત છે”ના સિદ્ધાંત પર ચાલતા રહ્યા… ધર્મ, જાતિ કે સમાજનો કોઈ ભેદ રાખ્યા વિના દુઃખી અને પીડિત લોકોની મદદ કરવી, સલાહ અને દુઆ દ્વારા તેમને સાંત્વના આપવી.. આ બાવા સાહેબની ઓળખ હતી. તેમની બારગાહ એટલે કે ઘર પર હંમેશા સુખ-દુઃખ લઈને આવતા લોકોનો ધસારો રહેતો અને દરેકને પ્રેમ તથા સમાનતાનો સંદેશ મળતો.
ઇસ્લામી પરંપરા મુજબ તેમની દફનવિધિ આજ રોજ એટલે કે તા. 23/01/2026ની રાત્રે ઈશાની નમાજ બાદ કારંટા શરીફ મુકામે કરવામાં આવશે. આ સમાચાર મળતા જ કારંટા શરીફ મુકામે અત્યારથી જ જનમેદની સ્વરૂપે લોકોની ભીડ ઉમટી પડી છે. દૂર દૂરથી મુરીદો, આશિકો અને માનવતામાં માનતા લોકો અંતિમ દર્શન અને દુઆમાં સામેલ થવા પહોંચી રહ્યા છે. સમગ્ર વાતાવરણમાં કુરઆનની તિલાવત, દુઆઓ અને “ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન”ના શબ્દો ગુંજતા સાંભળવા મળી રહ્યા છે.
બાવા સાહેબનો ઇંતેકાલ સુફી પરંપરા અને માનવતાની દુનિયા માટે અપૂરણીય નુકસાન ગણાઈ રહ્યો છે. તેઓ પોતાના પાછળ પ્રેમ, ભાઈચારો અને શાંતિનો એવો વારસો છોડી ગયા છે કે જે આવનારી પેઢીઓને સદા માર્ગદર્શન આપતો રહેશે. અલ્લાહ તઆલા મરહૂમની મગફિરત ફરમાવે, તેમને જન્નતુલ ફિરદૌસમાં ઉચ્ચ મકામ અતા કરે અને તેમના પરિવારજનો તથા તમામ મુરીદોને સબર સાથે દુઃખ સહન કરવાની હિંમત અતા કરે આવી સમગ્ર ઉમ્મત તરફથી દિલી દુઆ કરવામાં આવી રહી છે…