શહેરા તાલુકાના ખાંટના મુવાડા ગામે જંગલી ભુંડોથી પાકને બચાવવા તારની વાડ ઉપર લાગવેલ વીજ કરંટે નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના ખાંડીયા ગામના બજાણીયા ફળિયામાં રહેતા ૫૦ વર્ષીય મનહરસિંહ દલપત સિંહ ગોહિલ પોતાના પારિવારિક કામ અંગે શનિવારના સાંજે ખાંટના મુવાડા ગામે કોઈક કારણોસર ગયા હતા ત્યારબાદ મનહરસિંહ રાત્રીએ પોતાના ઘરે પરત ન ફરતા તેમની પત્ની મંજુલાબેનએ આજુબાજુમાં અને સગા સંબંધીઓના ત્યા શોધખોળ કરવાની શરૂઆત કરી હતી તેમછતાં મળી ન આવતા ભારે ચિંતિત થઈ ઉઠયા હતા. જ્યારે રવિવારની સવારમાં ખાંટના મુવાડા ગામના ઇશ્વરભાઇ ભુરાભાઈ મકવાણાના ખેતરમાં મંજુલાબેનના પતિ એટલે કે ગુમ થયેલ મનહર સિંહ ગોહિલનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતા પોલીસ મથકના પી.આઇ એન.એમ. પ્રજાપતિ અને પી.એસ.આઇ જે.કે. ભરવાડ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને ત્યારબાદ સમસ્ત ઘટનાની તપાસ કરતા વીજ કરંટ લાગવાથી મનહરસિંહ ગોહિલનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક વિગત જણાઈ આવી હતી ત્યારે પોલીસે ખેતર માલિક ઈશ્વર ભાઈ ભુરાભાઈ મકવાણાને કડકાઈથી પૂછતા તેઓએ પોલીસ સમક્ષ ખેતરમાં રહેલ મકાઇના પાકને વન્ય પ્રાણીઓ અને જંગલી ભુંડથી બચાવવા માટે થાંભલા ઉપરથી વીજ લાઈન લઈને ખેતરની ચારેબાજુ આવેલ તારની વાડ ઉપર વીજ કરંટ મૂકયો હોવાનું કબૂલ કર્યું હતું. હાલ તો પોલીસે સમગ્ર બનેલા આ બનાવને લઇને મરણ જનારની પત્ની મંજુલાબેન ગોહિલની ફરિયાદના આધારે ખેતર માલિક સામે ઈપીકો કલમ ૩૦૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here