રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે રાજપીપલામાં યોજાયેલી વ્યસનમુક્તિની પ્રભાતફેરી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સુપ્રિટેન્ડન્ટ જયદીપભાઇ સાદડીયાના હસ્તે ઝંડી ફરકાવી કરાયેલું પ્રસ્થાન

ગુટખાની ફાકી-મોતની ઝાંખી, તમાકુ માવા-શું કામ ખાવા, તમાકુ ખાય-કેન્સર થાય, ગુટકા ખાય-કેન્સર થાય, વ્યસન છોડો-સમાજ બચાવો ” જેવા બેનર્સ-સુત્રોચ્ચાર સાથેની પ્રભાતફેરીમાં વ્યસનમુક્તિનો સંદેશો પાઠવ્યો

રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે તા.૨ જી થી તા.૮ મી ઓક્ટોબર,૨૦૨૧ દરમિયાન હાથ ધરાયેલી નશાબંધી સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા જિલ્લાની નશાબંધી અને આબકારી અધિકારી ની કચેરીના માધ્યમથી આજે સવારે રાજપીપલામાં વીર શ્યામજી કૃષ્ણવર્મા પ્રાથમિક શાળા નં-૪ ખાતેથી નર્મદા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સુપ્રિટેન્ડન્ટ જયદિપભાઇ સાદડીયા તેમજ જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગના સબ ઇન્સપેક્ટર એસ.ડી.વસાવાએ વ્યસનમુક્તિ પ્રભાતફેરીને લીલીઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
વ્યસન મુક્તિની યોજાયેલી પ્રભાતફેરીમાં શાળાના વિદ્યાર્થીઓએ બેનર્સ તેમજ “ ગુટખાની ફાકી-મોતની ઝાંખી, તમાકુ માવા-શું કામ ખાવા, તમાકુ ખાય-કેન્સર થાય, ગુટકા ખાય-કેન્સર થાય, વ્યસન છોડો-સમાજ બચાવો, દારૂ છોડો-દેશ બચાવો, વ્યસનની મજા-મોતની સજા, વ્યસનમુક્ત બનો-નિરોગી બનો, ગુટખાની ફાકી મોતની નિશાની, ગંદવાડ-ત્યાં મંદવાડ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા “ ના સૂત્રચ્ચાર સાથે વ્યસનમુક્તિનો સંદેશો આપતી પ્રભાતફેરી આગળ વધીને ટેકરા ફળીયા, ખાડા ફળીયા, દેશમુખ ફળીયા, નવા ફળીયા, ચુનારવાડ ફળીયાથી લઇને હરસિધ્ધિ મંદિરે પહોચ્યાં હતાં અને ત્યાં આ પ્રભાતફેરીનું સમાપન થયું હતું. આ રેલીમાં શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here