રાજપીપલા સરદાર ટાઉન હોલ ખાતે સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન અને ગ્રોથ મોનીટરીંગ વર્કશોપ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આઈ.સી.ડી.એસ. વિભાગના વર્કશોપમાં કાર્યકર બહેનોને ટાઈમ મેનેજમેન્ટની શીખ આપતા નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ

સરકાર ની યોજનાઓ-સેવાઓ બાળકો, સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓ સુધી પહોંચાડવા ધારાસભ્ય નો અનુરોધ

નર્મદા જિલ્લાના સરદાર ટાઉન હોલ ખાતે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને આઈ.સી.ડી.એસ. વિભાગના આંગણવાડી કાર્યકરો માટે પોષણ વિષયક સોશિયલ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન અને ગ્રોથ મોનિટરીંગ વર્કશોપનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેને આરોગ્ય અને પોષણલક્ષી કામગીરીને વેગવાન બનાવી આંગણવાડીના બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓને સશક્ત બનાવવા માટે માર્ગદર્શિત કર્યા હતા. સરકાર તરફથી મળતી યોજનાઓની સેવાઓનો લાભ પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવા યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ પર વિશેષ ભાર ધારાસભ્યએ આપ્યો હતો.

વધુમાં ડો. દેશમુખે કહ્યું કે, આંગણવાડીમાંથી ઉપલબ્ધ ટીએચઆર, પોષણસુધા યોજનાનો લાભ વિશે જાગૃત કરીને દૂધ, દૂધની બનાવટો, શાકભાજી, ફળો, ગોળનું સેવન તથા સમયસર અને પૌષ્ટિક ભોજન આરોગવા પ્રેરિત કરીને બાળકોના આરોગ્ય અને પોષણની કાળજી લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલે ૬ માસ સુધીના બાળકોને ફક્ત સ્તનપાન, ૬ માસ બાદ ઉપરી આહાર, બાળકોની કાળજીના પ્રથમ ૧૦૦૦ દિવસના મહત્વ અને બાળસંભાળની ભૂમિકા વિશે સમજણ પુરી પાડી હતી.

સેમિનારમાં જિલ્લા ન્યુટ્રીશિયન કન્સલટન્ટ યુનિસેફ હેત્વી શાહ, નાંદોદના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી મોસમ પટેલ, તિલકવાડાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી અસ્મિતાબેન ચૌધરી સહિતના અધિકારીશ્રીઓએ પણ લાભાર્થીઓના ગ્રોથ મોનિટરિંગ, ગૃહ મુલાકાત, પોષણ અભિયાનની ઉજવણી, પોષણ પંચાયત, રેલી થકી લાભાર્થીઓના જનજાગૃતિ અને સામાજિક પરિવર્તન લાવવા માટે આયોજનબદ્ધ રીતે કામગીરી આગળ ધપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here