ભારત સરકારના કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ ભબાની પ્રસાદ પાટીના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના આયોજન અર્થે બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના પ્રત્યેક નાગરિકોને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાનો લાભ આપી તેમના જીવનશૈલીમાં આમૂલ પરિવર્તનને ઉજાગર કરીએ- કેન્દ્રીય સચિવ ભવાની પ્રસાદ પાટી

“પ્રજા-તંત્ર” ના સહિયારા પ્રયાસથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને સફળ બનાવવાની સુદ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા નર્મદા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં કલેક્ટર કચેરી રાજપીપળા ના સભાખંડ ખાતે કેન્દ્રીય કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ ભબાની પ્રસાદ પાટીની અધ્યક્ષતામાં તા. ૧૫ નવેમ્બર, ૨૦૨૩ થી પ્રારંભ થનારી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સંદર્ભે વિશેષ રોડમેપ અંગે બેઠક યોજાઇ હતી.

આ પ્રસંગે કેન્દ્રીય કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ ભબાની પ્રસાદ પાટીએ જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને નાયબ વન સંરક્ષક નિરજકુમાર સહિત જિલ્લાના સંકલન સમિતિના સર્વે અમલીકરણ અધિકારી ઓની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુખ્ય થીમ-આશય વિશે માર્ગદર્શિત કર્યા હતા.

ભબાની પ્રસાદ પાટીએ જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની મહત્વની ૧૭ જેટલી ફલેગશીપ ગ્રામીણ-શહેરોની અનેકવિધ યોજનાઓના અમલીકરણ માટે સતત પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન-મિશનને સાકાર કરવા નર્મદા જિલ્લાના ગ્રામીણ-શહેરી વિસ્તારના છેવાડાના માનવીને સરકાર ની અનેકવિધ યોજનાઓનો લાભ સુલભ સરળ રીતે મળે તે સુનિશ્ચિત કરી બાકી રહી ગયેલા પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો ડેટાબેઝ તૈયાર કરી તબક્કાવાર લાભ આપવા ખૂબ જ જરૂરી છે. આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારત દેશને વિકસિત દેશોની અગ્રહરોળમાં લાવવા માટે ગ્રામીણ ક્ષેત્રને પ્રાધાન્ય આપી આર્થિક ઉત્કર્ષ સાથે વંચિતોનો વિકાસ થાય એ યાત્રા થકી પુરો પાડવાનો ઉદ્દેશ્ય રહ્યો છે.

પાટીએ વંચિત લાભાર્થી સુધી પહોંચી તેમને સરકારી વિવિધ વિભાગોની યોજનાનો લાભ ઉપલબ્ધ કરાવવા તેમજ લાભાર્થીના જીવનશૈલીમાં આવેલા પરિવર્તનને પ્રચાર થકી ઉજાગર કરીને અન્યને પ્રેરિત કરવા લોકોને જાગૃત કરવા અંગે માર્ગદર્શિત કર્યા હતા. ઉપરાંત, સંયુક્ત સચિવે શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણ, આર્થિક વિકાસ સહિત અનેકવિધ પેરામીટર્સ થકી એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના વિકાસને સુનિશ્ચિત કરીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સંકલન સમિતિના સૌ અધિકારી ઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા” સંદર્ભે યોજાયેલી બેઠકમાં પાટીએ આરોગ્ય, શિક્ષણ, પોષણ, ખેતી-પશુપાલન, ગ્રામવિકાસ વિભાગ, પાણી-પુરવઠા વિભાગ અન્ન અને નાગરિક પુરવઠો સહિતના વિભાગો દ્વારા નાગરિકોને મળતી લોકકલ્યાણકારી યોજનાઓના લાભ, યોજનાનો લાભ પહોંચાડવા માટેનું અસરકારક આયોજન અને વધુમાં વધુ જિલ્લાના લાભાર્થીઓને આવરી લેવા સાથે ડેટા બેઝ તૈયાર કરવા અંગે પણ કેટલાક રચનાત્મક સૂચનો આપ્યા હતા.

યાત્રા દ્વારા નર્મદા જિલ્લાના દરેક નાગરિકોને યોજાનાઓના લાભને સુનિશ્ચિત કરવા, દરેક યોજનાઓ વિશે તમામ લોકોને માહિતગાર કરવા, લાભ મળવાપાત્ર લાભાર્થીઓની નોંધણી, કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, જનજાગૃતિના કાર્યક્રમો, સામુદાયિક પ્રવૃતિ, નુકકડ નાટકો, આદિવાસી સાંસ્કૃતિક નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માર્ગદર્શિત કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને પ્રજા-તંત્રના સહિયારા પ્રયાસથી સફળ બનાવવાની સુદ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને સંયુક્ત સચિવ પાટીને વિશ્વાસ અપાવ્યો હતો કે, અમે આયોજન અમલવારી અંગેનો જિલ્લાનો રોડમેપ તૈયાર કર્યો છે અને આ કાર્યક્રમને સફળ રીતે પાર પાડીશુ.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના નિયામક જે.કે.જાદવ, જિલ્લા આયોજન અધિકારી સશાંક પાંડે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢક, જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ સહિત સંકલન સમિતિના અધિકારી -કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here