બોડેલી APMC ખાતે આદિ વનધન સંમેલન યોજાયો… મુખ્ય મહેમાન કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા ઉપસ્થિત રહ્યા

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

આદિવાસી સમાજ શિક્ષિત બની મુખ્યધારામાં સામેલ થાય એવી આપણી નેમ હોવી જોઇએ કેન્દ્રીય આદિજાતિ મંત્રી: અર્જૂન મુંડા

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે જેનો લાભ લઇ ઉજજવળ ભાવિનું નિર્માણ કરીએ એમ ભારત સરકારના આદિજાતિ બાબતોના કેબિનેટ મંત્રી અર્જૂન મુંડાએ જણાવ્યું હતું.
ઝારખંડ રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને નરેન્દ્રભાઇ મોદી સરકારના આદિજાતિ બાબતોના કેબિનેટ મંત્રી અર્જૂન મુંડાએ બોડેલી ખાતે ટ્રાયબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લીમીટેડ દ્વારા બોડેલી ખાતે આયોજીત આદિ વનધન સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની ભૂમિથી આવેલો હું ગુરૂ ગોવિંદસિંહની ભૂમિને વંદન કરૂં છું એમ કહી તેમણે કેન્દ્ર અને રાજય સરકારની આદિવાસી કલ્યાણલક્ષી અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી તેમણે કેન્દ્ર સરકાર દેશના સાડા દસ કરોડ આદિવાસીઓનો સર્વાંગી વિકાસ થાય એ માટે પ્રતિબદ્ધ છે એમ જણાવ્યું હતું.
ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળ ચાલતા ટ્રાયબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડ(ટ્રાયફેડ) અંગે વિગતે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, સુદુરવર્તી જંગલ વિસ્તારમાં વસતા આદિજાતિ સમાજના લોકો જંગલમાંથી ગૌણ વનપેદાશો એકઠી કરી તેનું વેચાણ કરીને આવક મેળવે છે પરંતુ તેઓ ગૌણવન પેદાશોનું મૂલ્યવર્ધન કરી પોક્ષણક્ષમ ભાવે તેનું વેચાણ કરે એ માટેનું પ્લેટફોર્મ ટ્રાયફેડના માધ્યમથી પુરૂં પાડવામાં આવશે. જેનાથી આદિવાસી સમાજના દરેક વ્યક્તિને રોજગાર મળી રહે એવું આયોજન કરવામાં આાવશે. આ ઉપરાંત તેમણે દેશા ગરીબ લોકોને પાકું ઘર મળી રહે એ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે વાત કરી હતી.

આદિવાસી સમાજના બાળકો સારૂં ગુણવત્તાયુકત શિક્ષણ મેળવી તેમના ઉજજવળ ભાવિનું ઘડતર કરી શકે એ માટે સરકાર દ્વારા એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલો શરૂ કરવામાં આવી છે એમ જણાવી આદિજાતિ સમાજના બાળકોને આપવામાં આવતી શિષ્યવૃતિની યોજના જેવી શિક્ષણલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી તેમણે આદિવાસી સમાજ શિક્ષિત બની મુખ્યધારામાં સામેલ થાય એવી આપણી નેમ હોવી જોઇએ એમ ઉમેર્યું હતું.
આ ઉપરાંત તેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા યોજનાબદ્ધ રીતે કામ કરવામાં આવી રહ્યું છે એમ કહી તેમણે આયુષ્માન ભારતની તર્જ પર સરકાર આદિવાસી વિસ્તારમાં વસતા આદિવાસી લોકો માટે નવી યોજના ટુંક સમયમાં શરૂ કરવા જઇ રહી છે એમ ઉમેર્યું હતું.
આ ઉપરાંત તેમણે રાજય સરકાર દ્વારા રાજયના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં વિકસિત રાજય તરીકે ઉભરી રહ્યું છે એમ જણાવી તેમણે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ અને નવાચાર એ જ અમારી સરકારનો ધ્યેય છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ટ્રાયફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગભાઇ રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા આદિજાતિ બાબતોના મંત્રાલય હેઠળના ટ્રાયબલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમીટેડની કામગીરી અંગે આઋેરી ઝલક આપી ટ્રાયફેડના માધ્યમથી આદિવાસી સમાજના લોકો વેપાર કરીને વેપારી બને એવી સુવિધા સરકાર આપી રહી છે એમ જણાવી તેમણે જંગલોમાં રહેતા આદિવાસી સમાજ દ્વારા જંગલમાંથી ગૌણવન પેદાશ એકઠી કરવામાં આવે છે તેનું તેમને પુરતું વળતર મળી રહે એ માટે ટ્રાયફેડ દ્વારા સીધી જ ખરીદી કરવામાં આવે છે એમ જણાવી તેમણે હાલમાં ૧૧૯ કેન્દ્રો ખાતે ટ્રાયફેડ દ્વારા ખરીદી કરવામાં આવે છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારની આ પહેલ થકી દરેક આદિવાસી સમાજને રોજગારીની તક ઉપલબ્ધ થશે એમ તેમણે કહ્યું હતું.
સાંસદ ગીતાબેન રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા સરકાર દ્વારા આદિવાસી સમાજના લોકોનો સર્વાંગી વિકાસ થાય એ માટે શિક્ષણ, આરોગ્ય, રોજગાર જેવી બાબતોને લઇને કરવામાં આવી રહેલી કામગીરી અંગે જાણકારી આપી હતી.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા વનબંધુ કલ્યાણ યોજનાએ આદિવાસી વિસ્તારોની કાયાપલટ કરી છે એમ કહી તેમણે તેમના વિસ્તારમાં કરવામાં આવી રહેલી વિકાસલક્ષી કામગીરી અંગે વિગતે છણાવટ કરી હતી.

મંત્રી અને અન્ય મહાનુભાવોએ વનધન યોજનાના લાભાર્થીઓને કીટ, સર્ટિફિકેટ અને વન અધિકાર અધિનિયમના લાભાર્થીઓને જંગલ જમીનના પટ્ટા વિતરણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મંત્રી અને મહાનુભાવોએ વન વિભાગમાં રજીસ્ટર સ્વ સહાય જૂથોની બહેનો દ્વારા વન પેદાશોમાંથી બનાવેલી વિવિધ બનાવટોના પ્રદર્શન-કમ-વેચાણ સ્ટોલની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આદિજાતિ વિકાસ કમિશ્નર દિલીપભાઇ રાણાએ કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાની બાળાઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ટ્રાયફેડના પ્રાદેશિક મેનેજર વાચ્છાણીએ આટોપી હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પૂર્વ સંસદીય સચિવ જયંતિભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, ટ્રાયફેડના અધિકારીઓ, લાભાર્થીઓ અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here