બોડેલી ખાતે યોજાયેલા જિલ્લકક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં ૪૪.૩૨ કરોડના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકા બેન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લકક્ષાના વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ દરમિયાન રૂપિયા ૪૪.૩૨ કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત. પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ ટુંકા સમયમાં જ વિકાસની હરણફાળ ભરી છે એમ કહી તેમણે સરકારે ગામેગામ રસ્તાની સગવડ આપી છે એમ જણાવી છેવાડાનો માનવી સુધી પહોંચવાનું કામ સરકારે કર્યું છે એમ જણાવી તેમણે સરકારની વિવિધ યોજનાઓ અંગે વિગતે વાત કરી હતી.
આ ઉપરાંત તેમણે ગંગાસ્વરૂપા વિધવા સહાય, રાષ્ટ્રિય વૃદ્ધ સહાય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના તેમજ અન્ય યોજના માહિતી આપી હતી.
ગુજરાતના પશુપાલકોની મહેનતને કારણે રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે એમ કહી તેમણે ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ કલાક વીજ પુરવઠો મળે છે એમ કહી નાણાં પંચના અનુદાનમાંથી દરેક ગ્રામ પંચાયત ભવનમાં સોલાર રૂફ ટોપ સિસ્ટમ લગાવવામાં આવશે એમ જણાવ્યું હતું.
સરકારે આરોગ્ય અને શિક્ષણ પર ખુબ ભાર મૂકવામાં આવ્યો છે એમ કહી શિક્ષણનો વ્યાપ વધવાથી આદિવાસી સમાજના બાળકો પણ ઉચ્ચ શિક્ષણ મેળવી જીવન ઘડતર કરી રહ્યા છે એમ કહી સરકાર દ્વારા કરવામાં આવી રહેલી સર્વ સમાજના સર્વાંગી વિકાસની કામગીરીની સરાહના કરી હતી.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સરકારે જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતે ચિતાર રજૂ કરી નસવાડીના ડુંગર વિસ્તારમાં કરોડો રૂપિયાના રોડના કામો મંજૂર કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં કરવામાં આવનારા કામો અંગે વિગતે જાણકારી આપી હતી. તેમણે વધુમાં સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં રૂપિયા ૪૦૦ કરોડ જેટલી રકમના કામો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.
તેમણે રાજ્ય સરકારે છોટાઉદેપુર જિલ્લાના વિકાસ માટે કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતે જાણકારી આપી કામગીરીની સરાહના કરી હતી.
બોડેલી ખાતે યોજાયેલા વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય મહાનુભાવોએ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા હાથ ધરવામાં આવનાર રૂપિયા ૮.૧૯ કરોડના ૦૫ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ઊર્જા વિભાગના રૂપિયા ૫.૯૭ કરોડનું એક કામ, જિલ્લા મિનરલ ફાઉન્ડેશનનું રૂપિયા ૧.૫૦ કરોડનું એક કામ, આયોજન વિભાગનું રૂપિયા ૧.૩૦ કરોડનું એક કામ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગના રૂપિયા ૩.૯૮ કરોડનું એક કામ, વાસ્મો દ્વારા રૂપિયા ૨૪.૩૮ કરોડના ૧૯ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આમ, બોડેલી ખાતે યોજાયેલા વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ દરમિયાન રૂપિયા ૮.૧૯ કરોડના ૦૫ કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા ૩૬.૨૩ કરોડના ૨૮ કામોનું લોકાર્પણ મળી કુલ રૂપિયા ૪૪.૩૨ કરોડના ૨૮ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા બોડેલી પ્રાંત અધિકારીએ કાર્યક્રમના આયોજનનો આશય સ્પષ્ટ કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંહ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ, અધિક નિવાસી કલેકટર આર. કે.ભગોરા, પ્રાયોજના વહીવટદાર જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે. ડી. ભગત, છોટાઉદેપુર પ્રાંત વિમલ ચક્રવર્તી, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here