પંચમહાલ જિલ્લામાં 05 થી 07 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

માવઠું થવાની શક્યતાને લઇને ખેડૂતોને સાવચેત રહેવા ખેતીવાડી વિભાગનો અનુરોધ

હવામાન ખાતાના અહેવાલ મુજબ તા. 5 જાન્યુઆરી તથા જાન્યુઆરી, 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની શક્યતા રહેલી છે આવા સંજોગોમાં પંચમહાલ જિલ્લામાં ઘઉં, મકાઈ, ચણા, શાકભાજી સહિતનાં રવિ પાકો વગેરેનું વાવેતર થયું છે તેના ખેડૂતોએ કાળજી લેવી જરૂરી બને છે, જેને ધ્યાનમાં લઈને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા સાવચેતીના પગલાઓ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈને ખેતરમાં કપાસ, શાકભાજી, દિવેલા જેવા ઉભા પાકમાં ખેડૂતોએ સાવચેતી તથા સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક છે. બીટી કપાસના પાકમાં વીણી બાકી હોય તો તુરંત કરી લેવી અને તૈયાર ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવાની કાળજી લેવા જણાવાયું છે. ઉભા પાકમાં પિયત ટાળવું. ફળ પાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા, રાસાયણિક ખાતર કે નવું ખરીદેલ બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત ગોડાઉનમાં રાખવા તેમજ તેમજ નીચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા તેમજ ઘાસચારાનાં ઢગલા ગોડાઉનમાં ખસેડી લેવા પણ યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત, એપીએમસીનાં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીનાં પગલાં લેવા, ખેત પેદાશોને તાડપત્રીથી ઢાંકીને રાખવા, ખાતર બિયારણ વિક્રેતાઓને પણ ઈનપુટ બગડે નહીં તે ધ્યાને રાખીને ગોડાઉનમાં રાખવા જણાવાયું છે. ભેજવાળા વાતાવરણના કારણે દિવેલા કે એરંડા પાકમાં ઘોડિયા ઈયળ નામની જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. આ ઈયળો દિવેલાના કુમળા પાનની નસો સિવાય બીજો તમામ લીલો ભાગ ખાઈ પાનને ઝાંખરા જેવા બનાવી દે છે. જેના કારણે જો સમયસર આ ઈયળોનો નાશ ન કરવામાં આવે તો છો પાન રહિત બને છે અને ઉત્પાદનમાં ઘટ પડે છે. જિલ્લાના ખેડૂતોને ઘોડીયા ઈયળના ઉપદ્રવથી બચવા અને ઓછા ખર્ચે નિયંત્રણ માટે તેને હાથ વડે વીણી લેવી તેમજ ખેતરમાં પક્ષીઓ બેસી શકે તે મુજબ લાકડીના ટેકા મૂકવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ઈયળોની અવસ્થા મોટી હોય તો રાસાયણિક દવાના છંટકાવ દ્વારા તેમના પર નિયંત્રણ લાવવા એક પંપમાં 30 મિલી ક્વિનાલફોસ (0.05 ટકા) અથવા 30 મીલી ક્લોરપાયરીફોસ (0.04 ટકા) અથવા એમાબેક્ટીન બેન્ઝોએટ (05 ટકા) ઘન એક પંપમાં 03 થી 04 ગ્રામ દવા પાણીમાં ઓગાળી ઉભા પાકમાં 15 દિવસનાં અંતરે બે વાર છંટકાવા કરવા ભલામણ કરવામાં આવી છે. વધુમાં શક્ય હોય ત્યાં સુધી સવાર કે સાંજના સમયે દવાનો છંટકાવ કરવો વધુ હિતાવહ છે. રવિ પાકોનું થતું નુકસાન અટકાવી ઉત્પાદન જાળવી રાખવા તેમજ વધુ માહિતી માટે ગ્રામ સેવકનો તથા કિસાન કોલ સેન્ટરનાં ટોલ ફ્રી નંબર 18001801551 પર સંપર્ક કરવા જિલ્લાનાં ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here