પંચમહાલ જિલ્લામાં આવતીકાલે બકરી ઈદની ઉજવણી સંદર્ભે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું

ગોધરા(પંચમહાલ)

કોરોના કટોકટીને ધ્યાનમાં લઈ સરકારશ્રી દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસાર પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા બકરી ઈદ સંદર્ભે કેટલાક નિયંત્રણો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અનુસાર તા. ૩૧/૦૭/૨૦૨૦થી તા.૦૫/૦૮/૨૦૨૦ (બંને દિવસો સહિત) દરમિયાન જિલ્લામાં કોઈ પણ વ્યક્તિ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લા વગેરે જગ્યાઓએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરી શકશે નહીં.

આ ઉપરાંત, કોઈપણ પ્રાણીને શણગારીને એકલા કે સરઘસ આકારે જાહેરમાં લઈ જઈ શકાશે નહીં કે ફેરવી શકાશે નહીં. બકરી ઈદના તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેકવા પર પણ આ જાહેરનામા અનુસાર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત, કોવિડ-૧૯ સંદર્ભે જાહેર કરાયેલ નિયમો અનુસાર ફરજિયાત રીતે માસ્ક પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત, જાહેર જગ્યામાં થૂંકવાની પણ મનાઈ રહેશે. આ જાહેરનામું પંચમહાલ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગું પડશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here