નારી ગૌરવ દિવસ નિમિત્તે ગોધરા ખાતે કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 28 જૂથોને 28 લાખની લોનના લાભનું વિતરણ કરાયું, રૂ.14 લાખના ખર્ચે નિર્માણ પામેલી 2 આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું

માતા-પિતાની જેમ જીવનના દરેક તબક્કે-દરેક સંઘર્ષમાં નાગરિકોની પડખે રહી છે સંવેદનશીલ સરકાર

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અનેક મહિલાઓના આત્મનિર્ભર થવાના સપનાને સાકાર કરશે :-કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના સફળ નેતૃત્વ હેઠળ સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવાના હેતુથી પ્રજાલક્ષી યોજનાઓનાં કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. જે શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં આજે નારી ગૌરવ દિવસ નિમિત્તે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ લોન સહાય વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. સરદારનગર ખંડ-ગોધરા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના વરદહસ્તે કુલ 28 સ્વસહાય જૂથોને 28 લાખની લોન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી ચાવડાએ પોતાના સંબોધનમાં પ્રસિધ્ધ વૈજ્ઞાનિક મેરી ક્યુરી, ફેશન જગતના કોકો શેનલ, લેખિકાઓ જેન ઓસ્ટિન અને જે.કે. રોલિંગ જેવી મહિલા પ્રતિભાઓના અતુલનીય પ્રદાન અને જગત પર આ હસ્તીઓના પ્રભાવની વાત કરતા નારીશક્તિને વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સામર્થ્યની દ્રષ્ટિએ નારી અનેકગણી ચડિયાતી છે અને તક મળ્યે અઘરાથી અઘરા કાર્યો અને લક્ષ્યો સફળતાપૂર્વક પાર પાડી શકે છે ત્યારે નારીશક્તિની આ મહત્તા સમજીને મહિલાઓના આત્મનિર્ભર બનવાના સ્વપ્નને પૂર્ણ કરવા રાજ્ય સરકારે આર્થિક સ્વનિર્ભરતા માટે વિના વ્યાજની સહાય આપીને પૂર્ણ કર્યું છે. મહિલાઓ કોઈપણ અડચણ વગર દરેક ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે તેમને લોન-ધિરાણ, રોજગારલક્ષી યોજનાઓ-સુવિધાઓ પૂરી પાડી, વિવિધ ક્ષેત્રમાં મહિલાઓની વધુમાં વધુ સામેલગીરી સુનિશ્ચિત કરી રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણમાં આગવી ભૂમિકા ભજવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળકનો જન્મ થાય ત્યારથી સરકારની નાગરિક કલ્યાણલક્ષી કામગીરી શરૂ થાય છે અને તે તેના ઉત્તમ પોષણ, શિક્ષણ, રોજગારીની તકો, સ્વાસ્થ્ય-રહેઠાણની સુવિધાઓથી માંડી જીવનના દરેક તબક્કે સરકાર વિવિધ કલ્યાણકારી યોજનાઓ મારફતે તેના જીવનને સરળ, ગુણવત્તાસભર બનાવે છે. માઈ-બાપની માફક જીવનની કોઈપણ મુશ્કેલી હોય સરકાર નાગરિકોને પડખે ઉભી છે અને તે જ કારણ છે કે વર્તમાન સરકાર અને તેના વડા મુખ્યમંત્રીશ્રી સંવેદનશીલ સરકાર અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી તરીકે જાણીતા છે. કોરોના કામગીરી વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે લોકડાઉનથી ઘટેલી આવકના કારણે કોઈ પણ સામાન્યજનને બે ટંકના ભોજનનો પ્રશ્ન ન નડે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળ સરકારે પહેલા 8 મહિના અને હવે મે મહિનાથી નવેમ્બર સુધી વિનામૂલ્યે અનાજ વિતરણની વ્યવસ્થા કરી દેશનો કોઈ નાગરિક ભૂખ્યો ન સુવે તેની દરકાર તેમણે કરી છે. નારી ગૌરવ દિન નિમિત્તે કરાયેલ લોનસહાયથી રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં આર્થિક રીતે પગભર થવા, સદ્ધર થવા ઈચ્છતી મહિલાઓને જરૂરી સહાય બની રહેશે તેવી આશા વ્યક્ત કરતા મંત્રીશ્રીએ ઉપસ્થિત બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ યોજના અંતર્ગત ગોધરા તાલુકાના અછાલા અને ઘોઘંબા તાલુકાના ગમીરપુરા ડુંગરા ખાતે કુલ 14 લાખના ખર્ચે તૈયાર કરાયેલ 02 આંગણવાડી કેન્દ્રોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજના દિવસે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના વિકાસલક્ષી પ્રવૃત્તિઓને આગળ વધારવા રાજ્યના 10 હજાર જુથની એક લાખ મહિલાઓને 100 કરોડ રૂપિયાની વગર વ્યાજની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને અન્યોએ વડોદરા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમને ઓનલાઈન નિહાળી થઈ માર્ગદર્શન મેળવ્યું હતું.
આ અગાઉ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ. કામિનીબેન સોલંકી અને ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ નારી ગૌરવ દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવતા સહાય વિતરણ અંગે આનંદ વ્યક્ત કરતા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ સમારોહમાં નગરપાલિકા પ્રમુખશ્રી સંજય સોની, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી કેતુબેન દેસાઈ, જિલ્લા પ્રભારીસુશ્રી સંયુક્તા મોદી સહિતના આગેવાનો તેમજ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે. તબિયાર, લીડ બેંક મેનેજરશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તથા લાભાર્થી બહેનો સોશિયલ ડિસ્ટન્સિંગના ચુસ્ત પાલન સાથે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here