નર્મદા જીલ્લામાં ૨૬ મી ડિસેમ્બરે ગુ.વહી. સેવા વર્ગ-૧, ગુ.મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની જગ્યાઓની ભરતી માટે ની પરીક્ષા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પ્રિલીમનરી પરીક્ષા દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ સહિત કેટલાંક કૃત્યો કરવા પર પ્રતિબંધ

નર્મદા જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આયોજીત ગુ.વહી. સેવા વર્ગ-૧, ગુ.મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ (જાહેરાત ક્રમાંક: ૩૦/૨૦૨૦-૨૧)ની જગ્યાઓની ભરતી માટે પ્રિલીમનરી પરીક્ષા તા.૨૬/૧૨/૨૦૨૧ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી બપોરના ૦૧.૦૦ કલાક સુધી અને બપોરના ૦૩.૦૦ કલાકથી સાંજના ૦૬.૦૦ કલાક સુધી બે સેશનમાં નર્મદા જિલ્લાના નિયત કરેલાં પરીક્ષા સ્થળો પર યોજાનાર છે.
સદર પરીક્ષાઓની વિશ્વસનિયતા વધે તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ન્યાય મળી રહે, પરીક્ષામાં ગેરરીતીઓથી પરીક્ષાર્થીઓને કોઈ અડચણ ન થાય તથા ગેરરીતીઓ અટકાવી શકાય તે માટે પરીક્ષાને લગતા કોઈ સાહિત્ય, પ્રશ્નપત્ર, જવાબવહી, કાપલીઓની ઝેરોક્ષ ન થાય તે આશયથી નર્મદા જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરીક્ષાલક્ષી સાહિત્યની ઝેરોક્ષ નકલ કાઢવા પર પ્રતિબંધ મુકવા તથા સદર પરીક્ષા કેન્દ્ર સ્થળો પર બેસતા પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્ર સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવાની આવશ્યક્તાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ઉક્ત પરીક્ષાઓના સમયગાળા દરમિયાન નર્મદા જિલ્લાના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોમાં તેના માલિકો/સંચાલકો જાહેર પરીક્ષાને લગતા કોઈ પણ સાહિત્ય, પ્રશ્નપત્ર, જવાબવહી તથા કાપલીઓની ઝેરોક્ષ નકલ કાઢી શકશે નહીં તથા ઉક્ત પરીક્ષાના સમય દરમિયાન ઉક્ત પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોએ તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા તથા સદરહુ પરીક્ષા કેન્દ્રોની ચતુર્દિશામાં ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરી કેટલાંક કૃત્યો કરવા પર મનાઇ હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.૨૬/૧૨/૨૦૨૧ના રોજ સવારના ૦૯.૦૦ કલાકથી સાંજના ૦૭.૦૦ કલાક સુધી કરવાની રહેશે.
ઉક્ત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં તેમજ કોઈ પણ ઈસમે કોઈ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા / કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાન ભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું / કરાવવું નહીં તેમજ લાઉડસ્પીકર વગાડવા નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઈ વસ્તુ, મોબાઈલ, કેલક્યુલેટર વગેરે જેવી ઈલેક્ટ્રોનિક આઈટમ તથા પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં. જેવા કૃત્યો પ્રતિબંધિત રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here