નર્મદા જીલ્લાના આંબાવાડી ગામે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને ચીકદા ખાતે પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવાની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાના કાર્યક્રમ યોજાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

મહિલા સ્વ-સહાય જૂથ, આવાસ યોજના સહિતની યોજનાકીય લાભોનું કરાયું વિતરણ : RCC રોડનું કરાયું ખાતમુહર્ત-લોકાર્પણ

નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી કુસુમબેન વસાવા, અગ્રણી ઇશ્વરભાઇ વસાવા, તાલુકા વિકાસ અધિકારી કે.એ.વસાવા, આંબાવાડી ગ્રામ પંચાયતના સરપંચ ગેમલસિંહ વસાવા, ગ્રામ આગેવાનો તેમજ ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં આંબાવાડી ગામ ખાતે તેમજ ચીકદા ગામે પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના સદસ્ય ખાનસિંગભાઇ વસાવા, અગ્રણી રમેશભાઇ વસાવા સહિત ગામ આગેવાનો અને ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે આત્મનિર્ભર ગ્રામ યાત્રાના કાર્યક્રમો યોજાયાં હતાં.

આંબાવાડી ગામે યોજાયેલા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતુ કે, શહેરો જેવી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સુવિધાઓ મળી રહે તે દિશામાં અનેકવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓના અમલ સાથે સરકાર કટિબધ્ધ છે. ગ્રામજનો સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લઇ પાતે વ્યક્તિગત રીતે આત્મનિર્ભર બનવાની સાથે પોતાનું ગામ આત્મનિર્ભર બને અને તે ધ્વારા જિલ્લો, ગુજરાત રાજ્ય અને આપણો દેશ આત્મનિર્ભર બને તેવી નેમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, ત્યારે પ્રજાજનોને પણ આત્મનિર્ભર દેશ બનાવવાની દિશાના સરકારના પ્રયાસોમાં સહભાગી બનવા શ્રીમતી વસાવાએ ખાસ અનુરોધ કર્યો હતો.

ચીકદા ખાતે પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદી બાદ રાષ્ટ્રપિતા પૂ.મહાત્મા ગાંધીબાપુએ ભારત દેશ પોતાની શક્તિથી ઉભો થાય અને આત્મનિર્ભર બને તે માટે જે તે સમયે દેશના આગેવાનો સમક્ષ ભારતને આત્મનિર્ભર બનાવવાની વાત મૂકી હતી. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં છેલ્લા પાંચ-સાત વર્ષમાં આ દિશામાં થઇ રહેલા પ્રયાસોમાં આપણે સૌ સહભાગી બનીને પોતાને આત્મનિર્ભર બનાવવાની સાથોસાથ આપણું ગામ, જિલ્લો, રાજ્ય અને દેશને આત્મનિર્ભર બનાવવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.

આંબાવાડી ગામ ખાતે યોજાયેલા આત્મનિર્ભર ગ્રામ યાત્રાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ લોકાર્પણ-ચાવી, મિશન મંગલમ અંતર્ગત મહિલા સ્વ-સહાયજૂથોને સહાયના ચેક વિતરણ અને કૃષિ-બાગાયત વિભાગના યોજનાકીય લાભો એનાયત કરાયાં હતાં. તદઉપરાંત આંબાવાડી ગામે RCC રોડનું ખાતમુહર્ત કરાયું હતું તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂરી વર્ક ઓર્ડરનું પણ વિતરણ કરાયું હતુ.

ચીકદા ગામે પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા સહિતના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ યોજનાકીય સહાયના લાભોનું વિતરણ તેમજ વિકાસકામોના લોકાર્પણ- ખાતમુહર્ત કરાયાં હતાં.

તેવી જ રીતે આ આત્મનિર્ભર ગ્રામ યાત્રા છેલ્લે દેડીયાપાડા તાલુકાના સામોટ ગામે પહોંચી હતી અને સામોટ ગામે પણ આ ગ્રામ યાત્રાને ભવ્ય આવકાર અપાયો હતો. જિલ્લા પંચાયતની સિંચાઇ સમિતિના અધ્યક્ષ સોમભાઇ વસાવા સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ/અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉક્ત દર્શાવ્યા મુજબનો વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here