નર્મદા : જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂા. ૭૮૪/- લાખના ખર્ચે ૫૧૩ જેટલાં વિકાસ કામો મંજૂર

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જિલ્લાની ખૂટતી કડીઓ સંદર્ભે સામૂહિક વિકાસનાં કામોને અગ્રતા આપી જિલ્લાની સર્વાંગી વિકાસકૂચ આગળ ધપાવવા મંત્રીશ્રીની હિમાયત

મંજૂર થયેલા કામોને ઝડપથી હાથ ધરી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડનો અનુરોધ

ગુજરાતના ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાય ખાતે યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં સને ૨૦૨૦-૨૧ ના વર્ષ માટે અંદાજે રૂા. ૭૮૪/- લાખના ખર્ચે કુલ ૫૧૩ જેટલા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે.

ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડે જિલ્લાનાં વિકાસમાં ખૂટતી કડીઓ સંદર્ભે સામુહિક વિકાસના કામોને અગ્રતા આપી જિલ્લાની સર્વાંગી વિકાસકૂચ આગળ ધપાવવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે, જિલ્લા આયોજન મંડળ હેઠળ નર્મદા જિલ્લાને મળવાપાત્ર ગ્રાન્ટની જોગવાઇ સામે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તાલુકા આયોજન સમિતિના માધ્યમથી અને પદાધિકારીશ્રીઓના સુસંકલન થકી તમામ તાલુકાઓનું સુચારૂ આયોજન થયેલ છે, જે બદલ મંત્રીશ્રીએ સહુ કોઇને અભિનંદન પાઠવ્યા હતા.

આજે યોજાયેલી ઉકત બેઠકમાં મંજૂર કરાયેલા રૂા. ૭૮૪/- લાખના ખર્ચે ૫૧૩ વિકાસ કામોમાં ડામર રસ્તા, પેવરબ્લોક, સી.સી. રસ્તા, પાણીની સુવિધા, સંરક્ષણ દિવાલ, ગટરલાઇન, સમૂહ વિકાસના (પાઇપ-નાળા, સ્મશાન, હવાડો, ખડીયાટ) વગેરે જેવા કામોનો સમાવેશ થાય છે. જેમાં નાંદોદ તાલુકામાં રૂા. ૧૫૦/- લાખના ખર્ચના ૧૧૩ કામો, ગરૂડેશ્વર તાલુકામાં રૂા. ૧૨૫/- લાખના ખર્ચના ૧૧૮ કામો, તિલકવાડા તાલુકામાં રૂા. ૧૫૦/- લાખના ખર્ચના ૮૪ કામો, દેડીયાપાડા તાલુકામાં રૂા. ૧૫૦/- લાખના ખર્ચના ૧૨૬ કામો અને સાગબારા તાલુકામાં રૂા. ૧૫૦/- લાખના ખર્ચના ૬૪ જેટલા વિકાસ કામો ઉપરાંત રાજપીપલા નગરપાલિકાના રૂા.૨૫ લાખના બે કામોને આવરી લેવાયા છે. તદઉપરાંત જિલ્લાકક્ષાની ગ્રાન્ટમાંથી રાજપીપલા સિવિલ હોસ્પિટલની સુવિધાઓ વધારવા માટે રૂા. ૩૩/- લાખના ખર્ચના ૬ કામોને પણ આ બેઠકમાં મંજુરી આપવામાં આવી છે.

જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ખાબડની ઉપસ્થિતિમાં આ બેઠકમાં ગત સને ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ ના વર્ષના વિકાસ કામોની મે-૨૦૨૦ અંતિત વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી, જેમાં પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના વિકાસ કામોની વિગતવાર જાણકારી અપાઇ હતી. મંત્રીશ્રી ખાબડે બાકી રહેલા અને પ્રગતિ હેઠળના ઉક્ત વર્ષના વિકાસ કામો પણ ઝડપથી પૂર્ણ થાય તે જોવાની પણ સંબંધિત અમલીકરણ અધિકારીઓને ખાસ તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દામાભાઇ વસાવા, ધારાસભ્યો સર્વ શ્રી પી.ડી. વસાવા અને શ્રી મહેશભાઇ વસાવા સહિત ઉપસ્થિત અન્ય સદસ્યશ્રીઓ તરફથી જરૂરી રચનાત્મક સૂચનો પણ કરાયાં હતાં.

બેઠકના અંતમાં જિલ્લા કલેકટરશ્રી મનોજ કોઠારીએ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંજૂર થયેલા વિકાસ કામો થકી જનસુખાકારી વધારવાના પ્રયાસોને મૂર્તિમંત કરવા “ટીમ નર્મદા” વતી પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here