નર્મદા જિલ્લામા વિધાનસભા વિસ્તારમાં મતદાન મથકોની પ્રાથમિક સુધારા યાદી અંગે જાહેર જનતા પોતાના સૂચનો-વાંધા રજૂ કરી શક્શે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાગરિકો તા.૨૫મી જુલાઈ સુધી કલેક્ટર કચેરી, તેમજ સંબંધિત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે લેખિતમાં વાંધા અરજી રજૂ કરી શકશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ ની લાયકાત તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકોના પુનર્ગઠનની કામગીરીનો તારીખવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. સદર કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની બંને વિધાનસભા મતવિભાગના ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લાનાં તમામ ૬૨૪ મતદાન મથકોની ભૌતિક ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ ચકાસણી અન્વયે ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિભાગમાં બુથ નં.૧૫૦, ૧૫૧, ૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૭૩, ૧૯૦ કુલ જર્જરીત સ્થળોએ આવેલા હોય તેના નજીકમાં જ આવેલા સરકારી માલિકીના અન્ય સ્થળો પર સ્થળાંતરીત કરવામાં આવેલ છે. જ્યારે વજેરીયા, રાજપીપળા-૨૮, સુરજવડ તથા એક્તાનગર કોલોની-૩ એમ કુલ-૪ મતદાન મથકોમાં મતદારોની સંખ્યા ઓછી હોય, તેને બાજુના જ મતદાન મથકમાં ભેળવી દેવામાં આવ્યા છે.
જ્યારે ૧૪૯-દેડિયાપાડા વિધાનસભા મતવિભાગમાં બુથ કુકરદા-ર, સેલંબા-૭, ટાવલ-૨, ભોરઆમલી-૨ એમ કુલ-૪ મતદાન મથકોમાં મતદારોની સંખ્યા ઓછી હોય, તેને બાજુના જ મતદાન મથકમાં ભેળવી દેવામાં આવ્યા છે.
આમ, આગામી લોકસભા સામાન્ય ચૂંટણી માટે પ્રસિધ્ધ કરેલ પ્રાથમિક યાદી મુજબ ૧૪૮-નાંદોદ વિધાનસભા મતવિભાગના કુલ-૩૦૭ માંથી ઘટાડો થઈને ૩૦૩ મતદાન મથકો તેમજ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિભાગના કુલ-૩૧૭ માંથી ૩૧૩ મતદાન મથકો કરવા સુચવેલ છે.
ઉપર દર્શાવ્યા મુજબ મતદાન મથકોમાં સુચવવામાં આવેલ તમામ સ્થળાંતર-સુધારા-વધારાથી જાહેર જનતા માહિતગાર થાય તે અર્થે મતદાન મથકોની યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ તા.૧૬/૦૭/૨૦૨૩ ના રોજ કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત કચેરી, પ્રાંત અધિકારીની કચેરી, તમામ મામલતદાર કચેરી, તમામ તાલુકા પંચાયત કચેરી, તથા નગરપાલિકા કચેરી, રાજપીપળા ખાતે કરવામાં આવેલ છે. તેમજ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની વેબસાઈટ પર પણ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. આ પ્રાથમિક સુધારા યાદી અંગે જાહેર જનતાને કોઈ સલાહ સુચન કે વાંધો રજુ કરવો હોય તો કલેક્ટર કચેરી, તેમજ સંબંધિત ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે તા.૨૫/૦૭/૨૦૨૩ સુધીમાં લેખિતમાં રજૂઆત કરી શકાસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here