નર્મદા જિલ્લામાં ફરી રહેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંગે નર્મદા કલેક્ટરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ અને નવસારીના ગણદેવીના ધારાસભ્ય તેમજ પૂર્વ મંત્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન અને સૂચનો કર્યાં

વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાલ નર્મદા જિલ્લાના નાંદોદ અને દેડિયાપાડાના ગામોમાં પરિભ્રમણ કરી રહી છે. જિલ્લા સેવાસદન ખાતે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતા અને પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાતના ઈન્ચાર્જ નરેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં યાત્રાની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી. જેમાં તેમણે પ્રેરક માર્ગદર્શન અને લોકકલ્યાણકારી યોજનાઓ અંગે જરૂરી સૂચનો કરી વધુમાં વધુ લોકો લાભ લે, વહીવટી તંત્ર અને સંગઠનના સહયોગથી લોકોને વધુ લાભ થાય તેવા સામૂહિક પ્રયાસો કરવા જણાવ્યું હતું.

કેન્દ્ર અને રાજ્ય સરકાર ની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની માહિતી ગામે ગામ પહોંચાડી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો નર્મદા જિલ્લામાં ગત તા. ૧૫મી નવેમ્બર-૨૦૨૩ થી પ્રારંભ કરવામાં આવ્યો છે. જે હાલમાં નાંદોદ અને દેડીયાપાડા તાલુકામાં ભ્રમણ કરી રહી છે. સમગ્ર ભારતમાં આકાંક્ષી જિલ્લાઓમાં આ યાત્રા ચાલી રહી છે. જેના થકી સરકાર લોકોના આંગણે આવી છે. ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી ઓના તાલમેલ સાથે સંકલન અને સહિયારા પ્રયાસોથી આ યાત્રા સફળતાપૂર્વક ચાલી રહી છે. સરકાર ની વિવિધ ૧૭ જેટલી ફ્લેગશિપ યોજનાઓ અંગે નાગરિકોને પેમ્ફલેટ, બેનર્સ, સ્ટોલ્સ અને ફિલ્મોના માધ્યમથી વિગતે જાણકારી આપવામાં આવી રહી છે. કાર્યક્રમના સ્થળે આરોગ્ય કેમ્પ કરી નાગરિકોને ઘર આંગણે આરોગ્ય તપાસની સુવિધા આપવામાં આવી રહી છે. આયુષ્માન કાર્ડના વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચી આરોગ્ય કવચ પૂરું પાડી શકાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે.

કલેકટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી નરેશભાઈ પટેલે નર્મદા જિલ્લામાં ચાલી રહેલી આ યાત્રા અત્યાર સુધીમાં ખૂબ સુંદર રીતે સફળતા પૂર્વક ચાલી રહી છે અને નાગરિકોની જન ભાગીદારી પણ સારી એવી જણાઈ રહી છે, ત્યારે બાકી રહેલા ગામો-તાલુકામાં નાગરિકોની હજુ પણ વધુ જન ભાગીદારી નોંધાય અને સરકાર ની વિવિધ યોજનાઓથી હજી પણ બાકાત રહી ગયેલા લાભાર્થીઓ સુધી પહોંચી તેમને મળવાપાત્ર લાભ મળી રહે, કોઈપણ યોજનાથી જરૂરિયાતમંદ લાભાર્થી વંચિત ન રહે તે જોવા સૌને હાકલ કરી હતી. સાથે જિલ્લામાં ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહીને જરૂરી નામ નોંધણી સહિતની કામગીરી કરી આયુષ્માન કાર્ડ અથવા શ્રી અન્ન યોજના, કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ જેમને હજી સુધી યોજનાનો લાભ નથી મળ્યો તેમને લાભાન્વિત કરી ૧૦૦ ટકા સેચ્યુરેશનની દિશામાં કામગીરી કરવા અને તેના માટેની જરૂરી પ્રક્રિયા-કાર્યવાહી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ રથ હવે પછી જે ગ્રામ પંચાયતોમાં જવાનો છે ત્યાં યાત્રા પહોંચે તે પહેલાં માઈક દ્વારા જાહેરાત કરી પ્રચાર-પ્રસાર કરીને યાત્રાનો હેતુ સિદ્ધ થાય, નાગરિકોની જન ભાગીદારી વધે, નાગરિકો સ્વયંભુ યાત્રામાં જોડાય તે માટે કાર્યવાહી કરવા આહવાન કર્યું હતું.

નર્મદા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ આ બેઠક દરમિયાન વિવિધ વિભાગના અધિકારીઓને પોતાના કાર્ય વિસ્તારમાં વિકસિત ભારત સાંકલ્પ યાત્રાને સુપેરે પાર પાડવા માટે અને વિવિધ યોજનાના લાભાર્થીઓને તેના લાભો મળી રહે તે માટેની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી ગામમાં યાત્રા આવે ત્યારે લાભાર્થીઓને લાભ મળી રહે અથવા તો પૂર્વ મંજૂરી પત્રો મળે અને નોંધણી થાય તે દિશામાં જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. સાથે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા સફળતાપૂર્વક પાર પડે તે માટે ચૂંટાયેલા સભ્યો પણ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે જરૂરી સંકલનમાં રહી કામગીરીમાં જોતરાય તેવી અપીલ પણ કરી હતી.

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન થયેલી કામગીરીનો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવે ચિતાર આપતા જણાવ્યું હતું કે, જિલ્લાની કુલ ૨૨૨ ગ્રામ પંચાયતોમાં આ રથ ભ્રમણ કરે છે. જિલ્લામાં ૧૫મી નવેમ્બરથી ભ્રમણ કરી રહેલા આ રથ થકી અત્યારસુધીમાં કુલ ૫૪ ગ્રામ પંચાયતોને યાત્રા દ્વારા કવર કરવામાં આવી છે. હજી ૧૬૮ ગ્રામ પંચાયતોમાં આ યાત્રા પહોંચવાની બાકી છે. આ દરમિયાન અંદાજિત ૧૦ હજાર લોકોએ ઘર આંગણે પોતાના આરોગ્યની તપાસ કરાવી છે. જેમાં સામાન્ય બીમારીઓ, ટીબી અને સિકલસેલની તપાસને પણ આવરી લેવામાં આવી હતી. આયુષ્માન ભારત અંતર્ગત અંદાજિત ૪૪૦૦ કરતાં વધુ લોકોની કાર્ડ માટે નોંધણી કરી ૧૦૦ ટકા સેચ્યુરેશન માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે સોઈલ હેલ્થ કાર્ડ, જૈવિક ખેતી, ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી ખેડૂતોના ખેતરમાં નેનો યુરિયાના છંટકાવ અંગેની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

બેઠકમાં દૂધધારા ડેરીના ચેરમેન અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લાના અગ્રણી વિક્રમભાઈ તડવી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર સી.એ. ગાંધી, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here