નર્મદા જિલ્લાની આદિવાસી મહિલાઓ જાપાની વૃક્ષ ઉછેરની ટેકનિક સાથે વૃક્ષોના ઉછેર કરતી થઈ…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

એકતાનગરના શારદાબેન ‘બોન્સાઈ’ : એકતા નર્સરીમાં આ આદિવાસી મહિલાએ ૩૦૦૦થી વધુ બોન્સાઈ બનાવ્યા

એક સમયે શાકભાજી વેચતા શારદાબેન આજે એકતા નર્સરીમાં બોન્સાઈ આર્ટિસ્ટ બની ગયા

એકતા નર્સરીમાં અનેકવિધ બોન્સાઈ વૃક્ષો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર

વન અધિકારી મદનસિંહ રાહુલજીના માર્ગદર્શન હેઠળ એકતા નર્સરીમાં વિવિધ પ્રકારના વૃક્ષોનો થતો વાવેતર સહિત ઉછેર

ગોરા ગામમાં શાકભાજી વેચવાનો એક મહિલાનો નિત્યક્રમ. સવારે આવે, જેટલું શાકભાજી વેચે એટલું વેચી ઘરે જાય. એક દિવસ એવું બન્યુ કે, વન વિભાગના એક અધિકારી ત્યાંથી પસાર થયા. તે શાકભાજી લેવા રોકાયા. સામાન્ય વાતમાં જ અધિકારીએ એ મહિલાને પૂછ્યું કે, તમે નર્સરીમાં પ્રકૃતિ જતનનું કામ કરશો ? શાકભાજી વેચતી મહિલાને વાત વાજબી લાગી અને તેમણે હા કહી. સખી મંડળના મારફત તેઓ એકતા નર્સરીમાં જોડાયા. થોડા સમયની વન વિભાગની તાલીમ બાદ તેઓ સરસ મજાના બોન્સાઈ બનાવતા શીખી ગયા… હવે તે બોન્સાઈ વાળા શારદાબેન તરીકે ઓળખાય છે.

           શારદાબેન તડવીની બોન્સાઈ ઉપર માસ્ટરીની કહાની રસપ્રદ છે. સામાન્ય અભ્યાસ બાદ પણ તેઓ પોતાની મહેનત અને લગનથી સરસ બોન્સાઈ બનાવતા શીખી ગયા છે. તેમણે અત્યાર સુધીમાં ૩૦૦૦ થી વધુ બોન્સાઈ બનાવી એકતા નર્સરીના માધ્યમથી વેચ્યા છે. એકતા નર્સરીએ આ આદિવાસી મહિલાના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આણ્યું છે.

          સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલુ એકતા નર્સરી, પર્યાવરણલક્ષી જાગૃતતા ફેલાવવાની સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવાની સાથે સ્થાનિક મહિલાઓને તેમના કૌશલ્યના નિદર્શનનું પ્લેટફોર્મ કેન્દ્ર બન્યુ છે. જ્યાં ૧૦ લાખથી વધુ છોડ ઉગાડવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પિત થયેલ આ નર્સરીનો મુખ્ય ઉદ્દેશ અહીં આવનાર મુલાકાતીઓ અહીંથી પાછા જાય ત્યારે નર્સરીમાંથી ‘પ્લાન્ટ ઓફ યુનિટી’ નામે એક રોપો લઇ જાય.

          એકતા નર્સરીમાં સ્થાનિક બહેનોને રોજગાર પુરી પાડવા માટે રાજ્ય સરકારના વન વિભાગની મહત્વની ભૂમિકા રહેલી છે, ત્યારે ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામની ૪૦ બહેનો એકતા નર્સરી સખી મંડળમા એક જૂથમા કામ કરે છે. આ બહેનોનું મંડળ ૪૦ પ્રકારના વિવિધ કાર્ય કરે છે અને દરેક કાર્યની અલગ વિશિષ્ટતા છે. આ મંડળ થકી  શારદાબેન તડવી છેલ્લા ચાર વર્ષથી બોન્સાઈ બનાવીને તેનું વેચાણ કરે છે.

           એકતા નર્સરીમાં તેઓ બોન્સાઈ બનાવવા માટે છોડની પસંદગી, કટિંગ, કોલમ, સેન્દ્રિય ખાતર, કૂંડા સહિતની પસંદગી કરી જતનથી વિરાટ વૃક્ષનું કદ વામન રહે તે રીતે ઉછેરે છે. પ્રકૃતિ પ્રેમીઓ સારી રીતે જાણે છે કે, એક બોન્સાઈ બનાવવામાં કેટલી વાર લાગે છે ? બોન્સાઈનો ઉછેર ધીરજ અને ગહન વૃક્ષપ્રેમ માગી લે એવો છે.

           તેઓ જણાવે છે કે, મેં ધોરણ-૯ સુધી જ અભ્યાસ કર્યો છે. શરૂઆતમાં શાકભાજી વેચીને મારા પરિવારમાં આર્થિક મદદ કરી બાળકોના અભ્યાસમાં મદદરૂપ થતી હતી. જયારે મને વન વિભાગમાંથી તાલીમ મળી ત્યારબાદ હું એકતા નર્સરીમાં છેલ્લા ચાર વર્ષથી વિવિધ પ્રકારના બોન્સાઇ બનાવીને તેનું વેચાણ કરી રોજગારી મેળવી રહી છું. એકતા નર્સરીમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ માટે આ બોન્સાઈ ભારે આકર્ષણ જગાવે છે. પ્રવાસીઓ તેમના ઘર, ઓફિસ, હોટેલ્સની સુંદરતામાં વધારો કરવા માટે બોન્સાઈની ખરીદી કરે છે. અહીં આવતા પ્રવાસીઓને ગુજરાતી અને હિંદી ભાષામાં બોન્સાઇ વિશે હું માહિતી પણ આપું છું.

          શારદાબેને બોન્સાઈ વિશે રસપ્રદ માહિતી આપતા જણાવ્યું કે, બોન્સાઈના છોડને બનાવતા વાર નથી લાગતી, પણ એ છોડને ઉછેરવામાં વાર લાગે છે. જેને પોતાની રીતે રચનાત્મક આકાર આપવાની સાથે મનપસંદ જગ્યાએ મુકી શકાય છે. ઘર આંગણે રોજગારી મળતા પ્રતિ માસ રૂપિયા ૯ હજાર જેટલી આવક મેળવી રહી છું. શરૂઆતમાં લોકો મને શાકભાજી વાળી શારદાબેન તરીકે ઓળખતા હતા, આજે મને બોન્સાઇ શારદાબેન તરીકે ઓળખે છે.

રાષ્ટ્રને સ્ટેચ્યુ ઓફ યુનિટી સમર્પિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એકતા નર્સરીનો વિચાર રજૂ કર્યો હતો. રાજ્ય સરકારના નેતૃત્વ અને પરિક્ષેત્ર વન અધિકારી મદનસિંહ રાઉલજીના માર્ગદર્શન હેઠળ આજે એકતા નર્સરીમાં વિવિધ પ્રકારના બોન્સાઈ વૃક્ષોનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જેની કિંમત વૃક્ષના આયુષ્ય પ્રમાણે નક્કી થતી હોય છે. ડિસેમ્બર મહિનામાં રૂપિયા એક લાખ સુધીનું બોન્સાઈનું વેચાણ થયું છે. “ફાઈકસ” નામથી પ્રચલિત વડના ચાઈનીસ બોન્સાઇ કે જેની કિંમત રૂપિયા ૨૫ હજાર છે, તેનું પણ ગત માસમાં વેચાણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પો ખાતે પણ બોન્સાઈને પ્રદર્શન માટે મુકવામા આવ્યા છે.

બોન્સાઇ એક જાપાની વૃક્ષ ઉછેર પદ્ધતિ છે. જેમ આપણે છોડ રોપીએ છીએ તો વૃક્ષો ઘટાદાર અને વિશાળ બને છે. પરંતુ અમુક છોડને વિશેષ પદ્ધતિથી ઉછેરવામાં આવે તો મહાકાય વૃક્ષનું કદ નાનુ રહે છે. આ એક જીવંત કલા છે જેને લોકો ઓફિસ, ઘરે, રેસ્ટોરાં કે મનગમતી જગ્યાએ પ્રદર્શિત કરી આકર્ષણ જગાવે છે.

 બોન્સાઈ બનાવવાની રીત

બોન્સાઈ બનાવવા એક નાનો છોડ અથવા કલમ કરી તેમા મનપસંદ વૃક્ષોની ડાળીઓને કાપીને એક થડ સાથે જોડી શકાય છે. છોડ કે વૃક્ષની ડાળીને ત્રણ ઈંચથી માંડીને ત્રણ ફુટના કાપી, જેમાં માટી, કોકોપીટ અને પરલાઇટ ખાતરનું મિશ્રણ કરીને કુંડામા મુકવામા આવે છે. સમયની સાથે છોડ મોટા વૃક્ષ જેવો આકાર ધારણ કરે એટલે બે-ત્રણ વર્ષ પછી કુંડા અને માટીને બદલીને યોગ્ય રીતે માવજત કરે તો તે પેઢીઓ સુધી ટકી શકે છે, આ વૃક્ષ જેમ જૂનું થાય છે તેમ તેની સુંદરતા વધે છે અને આકર્ષિત લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here