જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,જિલ્લા ન્યાયાલય,પંચમહાલ-ગોધરા દ્વારા પેરા લીગલ વોલન્ટીયર્સ (સ્વયંસેવકો)ની નિયુક્તિ કરાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદનાં નિર્દેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, પંચમહાલ દ્વારા કાનૂની સેવા કેન્દ્રોમાં, કાનૂની સેવા કાર્યક્રમોમાં તથા કાનૂની જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે પેરા લીગલ વોલન્ટીયર્સ (સ્વયંસેવકો)ની નિયુક્તિ કરવાની હોવાથી ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં ૧૮ વર્ષથી ૭૦ વર્ષ સુધીની ઉમર ધરાવતાં, ધોરણ-૧૦ કે સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા, ગુજરાતી લખવા-વાંચવાની જાણકારી અને ક્ષમતા ધરાવતા, કાયદા કે અન્ય કોલેજના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ, નિવૃત સરકારી કર્મચારીઓ, સીનીયર સીટીઝન, ડોક્ટર/એન્જીનીયર વિગેરે વ્યવસાયકર્તા, શાળા-કોલેજના અધ્યાપકશ્રીઓ, આશાવર્કર/આંગણવાડી કાર્યકર બહેનો, સ્વ-સહાય જૂથ/સખીમંડળની બહેનો, સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થાઓના સભ્યો હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકશે પરંતુ વકીલ, રાજકીય સંગઠનો સાથે સક્રિય રીતે જોડાયેલ વ્યક્તિઓ, રાજકીય સંગઠનો સાથે જોડાયેલ સંસ્થાઓના સભ્યો, કોઈપણ ગુના માટે દોષિત ઠરેલ વ્યક્તિઓ અથવા જેની સામે કોઈપણ ગુનાના કામે ઇન્સાફી કાર્યવાહી ચાલુ હોય તેવી વ્યક્તિઓ, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિઓ તથા જે વ્યક્તિઓના વ્યક્તિગત હિતો પેરા લીગલ વોલન્ટીયર્સ યોજનાનાં હિતોને કોઈપણ રીતે પ્રભાવિત કરતા હોય તેવી વ્યક્તિઓ આ સેવામાં જોડાવવા માટે અરજી કરી શકશે નહિ.

આ સેવામાં જોડાયેલ વ્યક્તિઓને નિયમ મુજબ કરેલ વાસ્તવિક કામગીરીનાં આધારે માનદ વેતન ચુકવવામાં આવશે તે સિવાય અન્ય કોઈપણ પ્રકારનું મહેનતાણું કે ભથ્થાં ચુકવવામાં આવશે નહિ, આ એક સેવાકીય પ્રવૃત્તિ છે કોઈપણ પ્રકારની સરકારી/ખાનગી કાયમી કે હંગામી નોકરી નથી., આ પેરા લીગલ વોલન્ટીયર (સ્વયંસેવક) તરીકે જોડાવવા માટેની અરજી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, ગોધરા અથવા પંચમહાલ જીલ્લાનાં તમામ તાલુકા મથકની કોર્ટોમાં કાર્યરત તાલુકા કાનૂની સેવા સમિતિમાં કરવાની રહેશે. જેની અંતિમ તા:22/12/2023 છે.

સમાજમાં કાયદાકીય પ્રચાર-પ્રસાર અને જનજાગૃતિના ભગીરથ કાર્યમાં સ્વૈચ્છિક રીતે પોતાનું યોગદાન આપવા માંગતા હોય તેવી વ્યક્તિઓને અરજી કરીને જોડાવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, પંચમહાલ-ગોધરાના ફૂલ ટાઈમ સેક્રેટરી અને સીનીયર સિવિલ જજ શ્રી ડી.સી. જાની દ્વારા જાહેર અપીલ થકી એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here