કુદરતનાં સાનિધ્યમાં આવેલી એક એવી સરકારી શાળા જે આજના યુગની શાળાઓ માટે આદર્શ મોડેલ ગણી શકાય

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

આજથી ૨૦ વર્ષ પહેલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા ૩૦-૩૫ વર્ષનાં લોકોનો જે શાળા પ્રત્યેનો અભિગમ છે તેનાથી એકદમ વિપરીત આજે ગુજરાતની સરકારી શાળાઓ જોવા મળે છે. આમાંથી આજે વાત કરીએ તો ગુજરાતના છોટાઉદેપુર જીલ્લાના ક્વાંટ તાલુકામાં મધ્યપ્રદેશના બોર્ડર પર આવેલ સૈડીવાસણ ગામમાં એક સરકારી શાળાને જોઈને શાળા વિશેની કલ્પના જ બદલાઈ જાય છે. દુરથી દુર્ગમ અને પહાડી વિસ્તારમાં આવેલ શાળાનું મકાન જોઈને પહેલા તો એવુ લાગ્યું કે જાણે કોઈ આંતરરાષ્ટ્રીય શાળા હોય, જેમ જેમ શાળાની પાસે જતા ગયા તેમ તેમ ખ્યાલ આવ્યો કે રસ્તાની બન્ને બાજુ પર મકાન ધરાવતી આ શાળા કોઈ નિર્જીવ નહી પણ એક શિક્ષણનાં પર્યાય સમું ધબકતું એક વ્યક્તિત્વ જેવું લાગ્યું. શાળાની સ્વચ્છતા જોઈએ તો આંખો જોતી જ રહી જાય, આ ઉપરાંત વૃક્ષારોપણ તથા બગીચાની ડિઝાઈન જોઈએ તો ખુબજ અચરજ પમાડે તેવા હતા.
આ ઉપરાંત વાત કરીએ આ શાળા જોડે ૧૯૯૯થી જોડાયેલા અને શાળાની પ્રગતિમાં ભાગ આપનાર તેરસિંગભાઈ રાઠવાની જે ૨૦૧૨થી આ શાળાનાં આચાર્ય પણ છે. આચાર્ય કરતાં પણ વધુ એમ કહી શકાય કે તેઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની એક ટીમનું નેતૃત્વ કરનાર ગુરુ પણ છે.
સૈડીવાસણની આ શાળા સમયસર રીતે શરૂ થાય છે અને બાળકોને એક પરિવાર જેવો ઉછેર મળે છે. શાળામાં ઠેકઠેકાણે ચિત્રો છે, નોટીસ બોર્ડ પણ છે જે નોટીસ બોર્ડ પર મોતીનાં દાણા જેવા અક્ષરોથી શાળાની માહિતી પ્રદર્શિત કરાઈ છે. આ અક્ષરો બીજા કોઈના નહી પરંતુ શાળાનાં આચાર્ય તેરસિંગભાઈના જ છે. તેમનાં અક્ષરો સુંદર એટલા માટે છે કે તેઓ ચિત્રકલા પણ શીખેલા છે. તેઓ રાસ ગરબા, લોક નૃત્ય, લોક ગીત પણ જાણે છે. જેનો લાભ શાળાનાં બાળકોને સતત મળતો રહે છે. શાળામાં સરસ મજાની પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ, સ્માર્ટ બોર્ડ, સુંદર મજાનો બગીચો, સભા હોલ, કિચન પણ આવેલા છે. આ ઉપરાંત શાળામાં તમામ વર્ગોમાં સ્માર્ટ બોર્ડની વ્યવસ્થા છે. આચાર્ય અનુભવી તથા શિક્ષકો યુવાન અને અનુભવી છે. તમામ બાળકો, શિક્ષકો અને વાલીઓને સાથે લઈને કોઈ નિર્ણય લેવો એ તેરસિંગભાઈની ખાસિયત છે.
તેરસિંગભાઈએ ૨૦૧૯માં શાળાની બાજુનું મકાન ખરીદવા માટે પોતાનાં ખિસ્સા માંથી ૭૫ હજાર રૂપિયા ઉમેર્યા હતા. ત્યારબાદ આ જગ્યામાં બગીચો અને લોન નાખેલું મેદાન બાળકો માટે તૈયાર કરાવ્યું હતું.
આ શાળા બાલાસિનોર ખાતે રાજ્યકક્ષાની નૃત્ય સ્પર્ધામાં ઝળકી ઉઠી છે. આ શાળામાં નબળા બાળકોને શિક્ષકો અલગથી બેસાડીને અભ્યાસ કરાવે છે. શાળામાં દર વર્ષે અચૂક વાર્ષિકોત્સવ થાય છે, જેમાં બાળકો પોતાનાં કળા અને કૌશલ્યને પ્રસ્તુત કરે છે, જેમાં લોક સંગીત, વેશભૂષા અને ડાંગી નૃત્ય, વિવિધ રમતો ભજવવામાં આવે છે, જેમાં ગામલોકોનો સહિયારો સાથ મળી રહે છે. બાળકો ગેરહાજર રહે તો એ માટે એક અલગ ટીમ છે જે ગેરહાજર બાળકોનાં ઘરે મુલાકાત કરે છે. આ શાળામાં હાલ ૪૪૯ બાળકોની સંખ્યા છે. અહીં, પ્રેમ, સ્નેહ, શિક્ષણ, સિંચણ , નેતૃત્વ,અને સખત મહેનત જોવા મળે છે. અને આપણે ઈચ્છીયે કે સૈડીવાસણ શાળા દિવસે ને દિવસે પ્રગતિ કરે તથા જિલ્લા તેમજ રાજ્યનું નામ રોશન કરે અને અનેક શાળાઓ માટે એક આદર્શ મોડેલ શાળા તરીકે ઊભરી આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here