કાલોલ હાઈવે સ્થિત ટ્રાયંગલ સર્કલ વિસ્તાર પાસે ૬૬ હજાર કેવી લાઇનનો ચાલુ વીજ વાયર તુટી પડતા અફરાતફરીનો માહોલ: એક મજૂર દાઝી જતાં ગંભીર

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ નગરમાંથી પસાર થતા હાઈવે સ્થિત ટ્રાયંગલ સર્કલ વિસ્તાર ઉપરથી પસાર થતા ૬૬ હજાર કેવી વીજલાઇનનો એક તાર તુટી પડતા હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તત્કાલીન સમયે પસાર થતા હાઈવે પરના વાહનચાલકો પણ ગભરાઈ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીઓમાં વીજ પુરવઠો પૂરો પાડતી ૬૬ હજાર કેવી વીજલાઇનનો ચાલુ કરંટ ધરાવતો એક તાર તુટી પડતા સમયે સદભાગ્યે કોઈ વાહન વીજતારના સંપર્કમાં નહીં આવતા તદ્ઉપરાંત વીજ વાયર તુટી પડયા પછી પણ તત્કાલીન સમયે પસાર થતા વાહન ચાલકોએ હાઈવે વચ્ચે પડેલા વીજ વાયરને જોઈને સમયસર તેમના વાહનો રોકી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. જોકે દુર્ભાગ્યે એ સમયે હાઈવે પર આવેલા મોલ વિસ્તારમાં એક મજૂર નામે વિજયભાઈ અર્જુનભાઈ ગોહિલ (રહે. છગનની મુવાડી, ગામ- ખડકી) છત પર મજૂરી કામ કરતો હતો જે આ તુટી પડેલા ૬૬ કેવી વીજ વાયરના સંપર્કમાં નહીં પરંતુ અડફેટે જ આવી જતા પહેરેલા કપડા સાથે સળગી ઉઠતાં ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટનાની જાણકારીને પગલે નજીકમાં જ આવેલ એમજીવીએલ કચેરી અને જેટકો કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ૬૬ કેવી વીજપુરવઠો પુરો પાડતી જવાબદાર જેટકો કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક અસરથી તુટી પડેલા વીજ લાઈનનો વીજ પુરવઠો બંધ કરાવી દીધો હતો તદ્ઉપરાંત વીજ પુરવઠો બંધ કરાવ્યો ત્યાં સુધી હાઈવેના બન્ને છેડાના વાહનો થંભાવી દેતા થોડા સમય માટે શહેરના હાઈવે પર ટ્રાફિક જામ કરવો પડ્યો હતો. અત્રે ગંભીર રીતે દાઝેલા વિજયભાઈ અર્જુનભાઈ ગોહિલને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

તસવીર: કાલોલ શહેરના ટ્રાયંગલ સર્કલ વિસ્તાર પાસેના હાઈવે પર તૂટી પડેલો ૬૬કેવી વીજલાઇનનો વાયર, સ્થગિત કરેલો હાઈવે પરનો ટ્રાફિક અને ઈજાગ્રસ્ત બનેલા મજૂરને માટે બચાવ કામગીરી તસવીરોમાં દ્રશ્યમાન થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here