વેજલપુર,(પંચમહાલ) લુકમાન :-

વેજલપુર: વેજલપુર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ગ્રામિણ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2નું શાનદાર સમાપન થયું, જેમાં ફાઈનલ મેચમાં મિર્ઝા ઇલેવને યંગ ઇલેવનને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે.
આ ટુર્નામેન્ટમાં પંથકની કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં બોરૂની 2, વેજલપુરની 3 અને રાજગઢની 1 ટીમનો સમાવેશ થયો હતો. ફાઈનલ મેચમાં બે સ્થાનિક ટીમો આમને-સામને હોવાથી પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો મેચ નિહાળવા ઉમટી પડ્યા હતા.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા યંગ ઇલેવને નિર્ધારિત ઓવરોમાં 77 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મિર્ઝા ઇલેવન તરફથી સલમાન પાડવાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર 11 બોલમાં 33 રન ફટકારીને ટીમને ભવ્ય વિજય અપાવ્યો હતો.
ફાઈનલ મેચમાં ઉત્તમ પ્રદર્શન બદલ સલમાન જમાલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધુ વિકેટ ઝડપી બદલ સોહેલ મકરાનીને બેસ્ટ બોલર અને સૌથી વધુ રન બનાવા બદલ રિયાઝ ટપને બેસ્ટ બેટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ ટુર્નામેન્ટનું સફળ આયોજન તસલીમ પેડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા ટીમને ટ્રોફી અને પુરસ્કાર મુખ્ય અતિથિ રમઝાની પથીયા અને લુકમાન ખૂંધાના હસ્તે આપવામાં આવ્યા હતા.
ખેલદિલી અને સમાજમાં એકતા વધે તેવા હેતુથી આયોજિત આ ટુર્નામેન્ટની સફળતા બાદ સમગ્ર વેજલપુર વિસ્તારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.