વડોદરામાં પાણીની અછત વચ્ચે ટેન્કર વિવાદ ગરમાયો: સયાજીપુરાથી પાણીના ટેન્કરો અન્ય વિસ્તારોમાં મોકલાતા હોવાના આક્ષેપ…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

પાણીની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિકોમાં રોષ, પાણીના વિતરણમાં ગેરરીતિના આક્ષેપોથી પાલિકા તંત્ર સામે ઉઠ્યા સવાલ

વડોદરા: શહેરમાં એક તરફ પાણીની અછતની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે, ત્યારે બીજી તરફ પાણીના ટેન્કરોના વિતરણને લઈને વિવાદ પણ ઊભો થયો છે. સયાજીપુરા વિસ્તારમાં આવેલી વુડા વસાહતમાં મોકલવાના પાણીના ટેન્કરો અન્ય વિસ્તારોમાં મોકલવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિક રહીશોએ કર્યા છે.

વડોદરા શહેરમાં હાલ પાણીની તંગી વચ્ચે મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે. જોકે, પૂર્વ વિસ્તારના વોર્ડ નં. 4માં આવેલા સયાજીપુરા અને વુડાના રહેવાસીઓએ પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સયાજીપુરા પાણીની ટાંકી પરથી ભરાતા કેટલાક ટેન્કરોને જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં મોકલવાના બદલે અન્ય સ્થળોએ, ખાસ કરીને વોર્ડ નં. 2 તરફ મોકલવામાં આવી રહ્યા છે. જેના કારણે વિસ્તારમાં પાણીના વિતરણમાં ગેરરીતિ અને કથિત “પાણીના કાળા કારોબાર”ના આક્ષેપો ઉઠ્યા છે.

રહેવાસીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે સંબંધિત તંત્રના કેટલાક અધિકારીઓ અથવા જવાબદાર પદાધિકારીઓના આશીર્વાદથી આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી હોઈ શકે છે. જોકે, આ અંગે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

ઉલ્લેખનીય છે કે, શહેરના પૂર્વ વિસ્તારોને પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી હાલમાં આશરે 206 ફૂટ સુધી પહોંચી ગઈ હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે પાણી પુરવઠા પર સીધી અસર પડી રહી છે. ચોમાસાની રાહ જોતા નાગરિકો માટે પાણીની સમસ્યા વધુ ચિંતાજનક બની રહી છે.

સ્થાનિક લોકોએ પાણીના વિતરણમાં પારદર્શિતા લાવવા, ટેન્કરોની હિલચાલની તપાસ કરવા અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં નિયમિત પાણી પહોંચાડવાની માંગ ઉઠાવી છે. સમગ્ર મામલે પાલિકા તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર હવે સૌની નજર છે.

આ પણ વાંચો :-