ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
વર્ષ 2026-27 માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સરકારી કુમાર અને કન્યા છાત્રાલયોની સુવિધા

ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી કુમાર અને કન્યા છાત્રાલયોમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિભાગ દ્વારા નવા તેમજ રિન્યુઅલ વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વધુ સારી તક મળી રહે તે માટે સરકારી છાત્રાલયોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ, કોમર્સ, સાયન્સના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો તેમજ ધોરણ 11 અને 12ના તમામ પ્રવાહોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પ્રવેશ પ્રક્રિયાનો લાભ લઈ શકશે.
વિદ્યાર્થીઓએ વિભાગના અધિકૃત પોર્ટલ esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 જૂન, 2026 નક્કી કરવામાં આવી છે.
પ્રવેશ માટેના મુખ્ય નિયમો અને શરતો
શૈક્ષણિક લાયકાત:
પ્રવેશ મેળવવા ઇચ્છતા ફ્રેશ તેમજ રિન્યુઅલ વિદ્યાર્થીઓએ વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50 ટકા અથવા તેથી વધુ ગુણ મેળવેલા હોવા જરૂરી છે.
આવક મર્યાદા:
કુમાર (છોકરાઓ) છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ. 5 લાખ નક્કી કરવામાં આવી છે. જ્યારે કન્યા (છોકરીઓ) છાત્રો માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા લાગુ પડશે નહીં.
પ્રવેશમાં અગ્રતા:
સૌપ્રથમ સંબંધિત છાત્રાલયની ક્ષમતાને ધ્યાનમાં રાખીને રિન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેલી બેઠકો પર મેરિટના આધારે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે.
અન્ય વર્ગોના વિદ્યાર્થીઓ માટે જોગવાઈ:
જે તાલુકાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જનજાતિ અથવા આર્થિક રીતે પછાત વર્ગ માટે અલગ છાત્રાલય ઉપલબ્ધ ન હોય, તેવા તાલુકાના નિયત કેટેગરીના વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકશે.
દસ્તાવેજોની ચકાસણી ફરજિયાત
ઓનલાઇન અરજી દરમિયાન તમામ જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. પ્રોવિઝનલ મેરિટ યાદી જાહેર થયા બાદ મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ સંબંધિત સરકારી છાત્રાલય ખાતે હાજર રહી અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે.
વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઓનલાઇન અરજીમાં દર્શાવેલી માહિતી અને અસલ પ્રમાણપત્રો અથવા માર્કશીટમાં કોઈ તફાવત જણાશે તો આવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.
વિદ્યાર્થીઓને સમયમર્યાદામાં અરજી કરીને સરકારી છાત્રાલયોની સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.