ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-
માત્ર શંકાના આધારે આખું ખાતું બંધ નહીં કરી શકાય, તપાસ એજન્સીઓએ સત્તાનો ઉપયોગ વાજબી અને કાયદેસર રીતે કરવો જરૂરી: હાઈકોર્ટ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે બેન્ક ખાતાં ફ્રીઝ કરવાની કાર્યવાહી અંગે મહત્વપૂર્ણ અને નાગરિક હિતનો ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ વ્યક્તિની ફોજદારી ગુનામાં સંડોવણી સાબિત કર્યા વિના તેનું સમગ્ર બેન્ક ખાતું ફ્રીઝ કરી દેવું તેના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન સમાન છે. હાઈકોર્ટના આ નિર્ણયને નિર્દોષ નાગરિકો માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે.
જસ્ટિસ નિરલ આર. મહેતાે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન બેન્ક ખાતાં ફ્રીઝ કરવાની સત્તા તપાસ એજન્સીઓ પાસે છે, પરંતુ આ સત્તાનો ઉપયોગ વાજબી, કાયદેસર અને વિવેકપૂર્ણ રીતે થવો જોઈએ. માત્ર શંકાના આધારે અથવા ખાતાધારકની ભૂમિકા સ્પષ્ટ કર્યા વિના આખું ખાતું બંધ કરી દેવું યોગ્ય નથી.
માત્ર ₹1,100ના શંકાસ્પદ વ્યવહાર માટે આખું ખાતું ફ્રીઝ
કેસની વિગતો મુજબ અરજદારનું ગાંધીનગર સ્થિત HDFC બેન્કની ઇન્ફોસિટી શાખામાં સેવિંગ્સ એકાઉન્ટ હતું, જેનો ઉપયોગ તેઓ પગાર મેળવવા, ઘરખર્ચ, ભાડું અને લોનની EMI જેવી રોજિંદી નાણાકીય જરૂરિયાતો માટે કરતા હતા.
સાયબર ક્રાઇમ વિભાગને મળેલી બે ફરિયાદોના આધારે અરજદારના ખાતામાં થયેલા માત્ર ₹500 અને ₹600ના બે ટ્રાન્ઝેક્શન, એટલે કે કુલ ₹1,100ની શંકાસ્પદ રકમને આધારે સમગ્ર બેન્ક ખાતું ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે અરજદાર પોતાની કાયદેસરની કમાણીનો પણ ઉપયોગ કરી શકતા નહોતા.
હાઈકોર્ટનો ડી-ફ્રીઝ કરવાનો આદેશ
પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે જણાવ્યું કે શંકાસ્પદ રકમ માત્ર ₹1,100 સુધી મર્યાદિત હોવા છતાં સમગ્ર ખાતું ફ્રીઝ કરવું અતિશય પગલું ગણાય.
કોર્ટે બેન્કને માત્ર વિવાદિત ₹1,100ની રકમ જ હોલ્ડ (લિયન) હેઠળ રાખવા અને બાકીનું આખું ખાતું તાત્કાલિક અસરથી ડી-ફ્રીઝ કરીને અરજદારને સામાન્ય રીતે ઓપરેટ કરવાની મંજૂરી આપવા આદેશ કર્યો.
નિર્દોષ નાગરિકો માટે રાહતરૂપ ચુકાદો
હાઈકોર્ટે નોંધ્યું કે અરજદાર સાયબર ગુનામાં આરોપી કે શંકાસ્પદ વ્યક્તિ નથી. માત્ર ટ્રાન્ઝેક્શન ટ્રેલમાં ખાતાનું નામ આવવાને કારણે સમગ્ર ખાતું ફ્રીઝ કરવું યોગ્ય નથી. આવા પગલાંથી નિર્દોષ નાગરિકોને ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
સાથે જ કોર્ટે અરજદારને જરૂર પડે ત્યારે તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવા પણ નિર્દેશ આપ્યો છે.
આ ચુકાદો ભવિષ્યમાં સાયબર ક્રાઇમ તપાસ દરમિયાન ખાતાં ફ્રીઝ કરવાની પ્રક્રિયામાં સંતુલન જાળવવા અને નિર્દોષ નાગરિકોના અધિકારોના રક્ષણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.