સુપ્રીમ કોર્ટની બિલ્ડરોને ટકોર, બ્રોશરમાં આપેલા વચનો માત્ર માર્કેટિંગ નહીં પરંતુ જવાબદારી…

ગોધરા, (પંચમહાલ) સાજીદ શેખ :-

નવી દિલ્હી: ફ્લેટ કે મકાન ખરીદતી વખતે બિલ્ડરો દ્વારા બ્રોશરમાં દર્શાવવામાં આવતી સુવિધાઓ અને પ્લાનને માત્ર માર્કેટિંગનો ભાગ ગણાવીને બાદમાં તેનાથી પીછેહઠ કરી શકાશે નહીં, એવી મહત્વપૂર્ણ ટિપ્પણી સુપ્રીમ કોર્ટે કરી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રોજેક્ટના બ્રોશરમાં ચોક્કસ પ્લાન, નકશો અને સુવિધાઓ દર્શાવીને ગ્રાહકોને વચન આપવામાં આવ્યું હોય તો તેને જમીન પર અમલમાં મૂકવાની જવાબદારી બિલ્ડરની છે.

DLFના ‘ધ પ્રાઇમસ’ પ્રોજેક્ટને લઈને વિવાદ

સુપ્રીમ કોર્ટની જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠ ગુરુગ્રામના સેક્ટર 82A સ્થિત DLF હોમ ડેવલપર્સના ‘ધ પ્રાઇમસ’ હાઉસિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિવાદની સુનાવણી કરી રહી હતી.

પ્રોજેક્ટના મૂળ પ્લાનમાં 24 મીટર પહોળો એપ્રોચ રોડ દર્શાવવામાં આવ્યો હતો. જોકે, આ રસ્તો વચન મુજબ બનાવવામાં આવ્યો ન હોવાનો મુદ્દો સામે આવ્યો છે. કોર્ટે ચેતવણી આપી હતી કે જો પ્રોજેક્ટને મૂળ બ્રોશર અને નકશા મુજબ સુધારવામાં નહીં આવે તો કોર્ટ દ્વારા આકરા આદેશો કરવામાં આવી શકે છે.

CBI તપાસમાં રસ્તાની જગ્યાએ ગ્રીન પેચ અને પાર્કિંગ

સુપ્રીમ કોર્ટે અગાઉ આ રસ્તા સહિત અન્ય ફરિયાદોની પ્રાથમિક તપાસ CBIને સોંપવાનો આદેશ આપ્યો હતો. CBIની તપાસમાં સામે આવ્યું કે મૂળ યોજના મુજબ 24 મીટર પહોળો રસ્તો લગભગ 147 મીટર લાંબો બનવાનો હતો.

જોકે, જમીન પર આ રસ્તાના લગભગ 52 મીટરના હિસ્સામાં ગ્રીન પેચ (બગીચો) બનાવવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો મોટો ભાગ રસ્તા જેવો દેખાતો હોવા છતાં તેનો ઉપયોગ રહેવાસીઓ અને મુલાકાતીઓ દ્વારા પાર્કિંગ માટે કરવામાં આવી રહ્યો છે.

આ રીતે આયોજિત રસ્તાનો લગભગ બે તૃતીયાંશ એટલે કે આશરે 100 મીટર જેટલો હિસ્સો કાં તો ગ્રીન એરિયામાં ફેરવાઈ ગયો છે અથવા પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે વારંવાર તક આપવા છતાં બિલ્ડર દ્વારા આ ખામી હજુ સુધી કેમ સુધારવામાં આવી નથી?

5 ફ્લેટ ખરીદદારોની ફરિયાદથી મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

આ વિવાદની શરૂઆત 5 ફ્લેટ ખરીદદારો દ્વારા નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન સમક્ષ દાખલ કરવામાં આવેલી ફરિયાદથી થઈ હતી. 29 મે 2023ના રોજ કન્ઝ્યુમર ફોરમ દ્વારા ચુકાદો આપવામાં આવ્યા બાદ ખરીદદારો અને DLF બંને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.

CBI તપાસને વધુ મજબૂત બનાવવાનો આદેશ

ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે કાગળ પરના કાયદાકીય નિયમો અને જમીન પરની વાસ્તવિક સ્થિતિ વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે જો સમગ્ર રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આવી સ્થિતિ હોય તો સામાન્ય મધ્યમવર્ગીય ખરીદદારોની હાલત શું થાય?

તાજા આદેશમાં સુપ્રીમ કોર્ટે CBI ડાયરેક્ટરને પ્રાથમિક તપાસ સંભાળી રહેલા SP સૌરભ ગુપ્તાની મદદ માટે વધુ બે ઇન્સ્પેક્ટરો નિયુક્ત કરવા સૂચના આપી છે.

આ કેસની આગામી સુનાવણી 12 ઓક્ટોબરના રોજ યોજાશે, જેમાં CBI દ્વારા પોતાનો આખરી રિપોર્ટ રજૂ કરવામાં આવશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે CBIની તપાસ સંપૂર્ણપણે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહેવી જોઈએ.



આ પણ વાંચો :-