ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

અમદાવાદ: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલિશન બાદ હજુ સુધી આવાસ ફાળવવામાં ન આવતા 200થી વધુ અસરગ્રસ્ત લોકો આજે 3 સપ્ટેમ્બરે સવારે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં લોકોએ રિવરફ્રન્ટ હાઉસનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો.
ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતીય નાગરિકોના મકાનો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પુરાવાના આધારે આવાસ આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અસરગ્રસ્તો પાસેથી ફોર્મ પણ ભરાવવામાં આવ્યા હતા. જોકે, 6 મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ પણ આવાસ ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી નથી.
હાથમાં બેનરો સાથે મોટી સંખ્યામાં લોકો રિવરફ્રન્ટ હાઉસની બહાર બેસી ગયા હતા અને પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરી હતી.
મકાન નહીં મળે ત્યાં સુધી ₹10 હજાર ભાડાની માંગ
પૂર્વ વિપક્ષના નેતા અને દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓની સાથે ભારતીય નાગરિકોના પણ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું કે હાઇકોર્ટ અને સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને ભારતીય નાગરિકોને મકાન આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એક પણ વ્યક્તિને મકાન ફાળવવામાં આવ્યું નથી.
તેમની માંગ છે કે જે લોકોના મકાનો તોડવામાં આવ્યા છે, તેમને જ્યાં સુધી મકાન ન મળે ત્યાં સુધી દર મહિને ₹10,000 ભાડું ચૂકવવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે આવાસ આપવામાં આવે.
મકાન નહીં મળે તો કમિશનરના ઘરે રહેવાની ચીમકી
શહેજાદખાન પઠાણે વધુમાં જણાવ્યું કે, “અમારી પાસે ઘર નથી, તેથી અમે આજે અહીં આવ્યા છીએ. જો મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશન દ્વારા જલ્દીથી મકાન આપવામાં નહીં આવે તો આવતા મહિને તમામ લોકો પોતાનો સામાન લઈને મ્યુનિસિપલ કમિશનરના ઘરે રહેવા જતા રહીશું.”
તેમણે આવાસ યોજનાના મકાનોના વિતરણમાં ગેરરીતિનો આક્ષેપ કરતાં જણાવ્યું કે ગરીબોને તેમના હક મળી રહ્યા નથી અને ખાનગી બિલ્ડરો હાઉસિંગ વિભાગ સાથે મળીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.
ફોર્મ ભરાયા છતાં આવાસ ફાળવણીની કાર્યવાહી નહીં
વિપક્ષના નેતાએ જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવાસ યોજનાના મકાનો આપવા માટે અસરગ્રસ્તો પાસેથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી આ પ્રક્રિયા આગળ વધારવામાં આવી નથી. જેના કારણે અનેક લોકો હાલમાં બહાર ભાડે રહેવા મજબૂર બન્યા છે.
તેમણે કહ્યું કે કમિશનર ₹10,000 ભાડું આપવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી લોકો રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેસી રહેશે.
કમિશનરને રજૂઆત કરવા પહોંચેલા લોકો, મુલાકાત ન થઈ
ચંડોળા તળાવના અસરગ્રસ્તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા રિવરફ્રન્ટ હાઉસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા.
200થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર તેમની સાથે મળ્યા ન હતા, જેના કારણે વિરોધ કરી રહેલા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
