પંચમહાલમાં 23થી 25 જૂન દરમિયાન યોજાશે ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’: 1,627 શાળાઓને આવરી લેતું વિશાળ આયોજન…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ, શત-પ્રતિશત નામાંકન અને દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર

પંચમહાલ: રાજ્ય સરકારના શિક્ષણ અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આગામી તા. 23, 24 અને 25 જૂન દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને આવરી લેતો સંયુક્ત ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’ યોજાનાર છે. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે અને શત-પ્રતિશત નામાંકનનું લક્ષ્ય હાંસલ થાય તે માટે સંકલિત પ્રયાસો જરૂરી છે. ખાસ કરીને જ્યાં દીકરીઓનું નામાંકન ઓછું હોય તેવા વિસ્તારોને ચિહ્નિત કરીને વિશેષ અભિયાન હાથ ધરવા તેમણે સૂચના આપી હતી.

કલેક્ટરશ્રીએ કાર્યક્રમને વધુ અર્થસભર બનાવવા માટે મહાનુભાવોના સ્વાગતમાં ફૂલહારને બદલે પુસ્તકો ભેટ આપવાની પરંપરા અપનાવવા સૂચન કર્યું હતું. સાથે જ જે શાળાઓ મુખ્ય રૂટ આયોજનમાં સામેલ ન હોય ત્યાં પણ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) મારફતે પ્રવેશોત્સવની ઉજવણી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

207 રૂટ અને 1,627 શાળાઓને આવરી લેતું આયોજન

પ્રવેશોત્સવના સફળ અમલીકરણ માટે જિલ્લામાં ભૌગોલિક સ્થિતિ અને અંતરને ધ્યાનમાં રાખીને કુલ 207 રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓ – ઘોઘંબા, ગોધરા, હાલોલ, જાંબુઘોડા, કાલોલ, મોરવા-હડફ અને શહેરાની કુલ 1,379 પ્રાથમિક શાળાઓ તથા 248 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી કુલ 1,627 શૈક્ષણિક સંસ્થાઓને કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવશે.

રાજ્ય કક્ષાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ માટે પણ વિશેષ રૂટ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન અંદાજે 166 પદાધિકારીઓ અને અધિકારીઓ વિવિધ શાળાઓની મુલાકાત લઈ પ્રવેશોત્સવમાં સહભાગી બનશે.

શાળાઓમાં વિવિધ રચનાત્મક કાર્યક્રમો યોજાશે

પ્રવેશોત્સવ દરમિયાન નિર્ધારિત રૂટ મુજબ અધિકારીઓ અને મહાનુભાવો શાળાઓની મુલાકાત લઈ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરશે. કાર્યક્રમ અંતર્ગત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, વિદ્યાર્થીઓના વક્તવ્ય, વૃક્ષારોપણ, શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક તેમજ શાળા પરિસરની મુલાકાત જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

મુખ્યમંત્રીનું માર્ગદર્શન પણ પ્રાપ્ત થયું

ઉલ્લેખનીય છે કે બેઠક દરમિયાન ઉપસ્થિત અધિકારીઓએ બાયસેગ (BISAG) માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું માર્ગદર્શન પણ પ્રાપ્ત કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણય વિજયવર્ગીય, નિવાસી અધિક કલેક્ટર શ્રી જે.જે. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિત અમલીકરણ સમિતિના સભ્યો અને વિવિધ વિભાગોના જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



આ પણ વાંચો :-