ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પ્રભારી મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું અને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે પંચમહાલવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતાં પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને ભાવાંજલિ અર્પણ કરી હતી.
પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યું છે. રાજ્ય સરકારની વિકાસની નીતિ માત્ર શહેરો પૂરતી સીમિત નથી, પરંતુ ગામડાં અને ખેડૂતોનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગામડાઓમાં પીવાનું પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સહિતની મૂળભૂત સુવિધાઓ સાથે આધુનિક ટેકનોલોજી પહોંચાડવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે નાગરિકોને પર્યાવરણ જાળવણી માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન સાથે જોડાવા અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. સાથે જ યુવાનોને વ્યસનથી દૂર રહી સદ્ગુણો અને ભારતીય સંસ્કૃતિ સાથે સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું. તેમણે સૌને એકતા, સમૃદ્ધિ અને **‘વિકસિત ભારત ૨૦૪૭’**ના સંકલ્પને સાકાર કરવા સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી રમેશભાઈ કટારાના હસ્તે ગોધરા તાલુકાના વિકાસના કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા વહીવટી તંત્રને અર્પણ કરવામાં આવ્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. કુલ સાત શાળાના વિદ્યાર્થીઓએ યોગા રિહર્સલ, દેશભક્તિ મેશપ ડાન્સ, પિરામિડ કૃતિ, આદિવાસી ટીમલી, આર્મી થીમ, ગરબા ફ્યુઝન તથા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ જેવા વિવિધ કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.
કાર્યક્રમ બાદ પ્રભારી મંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો અને પત્રકારોએ પોલીસ પરેડ ગ્રાઉન્ડના પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય સી.કે. રાઉલજી, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, નિવાસી અધિક કલેક્ટર જે.જે. પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
