પંચમહાલમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: કલેક્ટર અજય દહિયાએ નિવાસસ્થાને ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી…

ગોધરા,(પંચમહાલ) નવાઝ શેખ :-

ગોધરા, પંચમહાલ: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વર્ષોથી ચાલી આવતી પરંપરાને અનુસરીને પંચમહાલ જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ સૌપ્રથમ પોતાના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે કલેક્ટરશ્રીએ દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને સ્મરણ કરી તેમને નમન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે તેમણે દેશની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સૌને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંદેશ આપ્યો હતો.

કલેક્ટર કચેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમ

નિવાસસ્થાને ધ્વજવંદન બાદ ગોધરા સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હર્ષોલ્લાસભેર કરવામાં આવી હતી. કચેરી પરિસરમાં અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સૌને દેશ અને સમાજના વિકાસમાં પોતાની જવાબદારી નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે નિભાવવાની અપીલ કરી હતી.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી જે. જે. પટેલ, ગોધરા પ્રાંત અધિકારી શ્રી નિરિલ મોદી સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



આ પણ વાંચો :-