નસવાડી, જાવેદ એન કુરેશી :-

નસવાડી: ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર નસવાડી તાલુકામાં હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે નસવાડી ખાતે આવેલી વિવિધ સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજોમાં ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા.
તાલુકાની વિવિધ સંસ્થાઓ અને કચેરીઓ ખાતે હોદ્દેદારો, અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી હતી. મદની સ્કૂલ ખાતે અમીનભાઈ ફ્લોર મીલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ વિનુભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.
કુમારશાળા ખાતે એક વિદ્યાર્થી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ એસ.બી. સોલંકી વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીની દ્વારા ઉત્સાહપૂર્વક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
નસવાડી ગ્રામ પંચાયત ખાતે તાલુકા સદસ્ય હર્ષરાજસિંહ સિસોદિયા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત નસવાડી કોલેજ, સાયન્સ સ્કૂલ સહિત તાલુકાની વિવિધ સરકારી કચેરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ વિધિવત રીતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો, અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર નસવાડી તાલુકામાં રાષ્ટ્રધ્વજની આન-બાન-શાન સાથે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
